December 14, 2024

બાપુનગરમાં મહિલા PSI સહિતની ટીમ પર બુલેટગરના પુત્રનો હુમલો

Ahmedabad bapunagar Bulletgar son attacks team including women PSI

અમદાવાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં સબ સલામતના દાવા વચ્ચે લોકોની સલામતી પૂરી પાડનાર પોલીસ જ સુરક્ષિત નથી. શહેરના બાપુનગર વિસ્તારમાં જાહેરમાં ટોળું વળી ઉભેલા લોકોને હટાવવા જતા મહિલા PSI અને તેની ટીમ પર મહિલા બુટલેગરના પુત્ર અને પરિવારજનોએ હુમલો કર્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી કેસમાં 10 જેટલા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

બાપુનગરના ગરીબ નગર ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે કેટલાક લોકો ટોળું વળીને ઉભા હતા. તે સમયે બાપુનગર પોલીસ સ્ટેશનના મહિલા PSI ડીડી પ્રજાપતિ અને તેમનો સ્ટાફ ત્યાંથી પસાર થતા લોકોને હટાવવા માટે વાતચીત કરી હતી. તેવામાં કેટલાક લોકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી સરકારી જીપ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસની ગાડીને નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ પથ્થરમારા અને પોલીસ પર હુમલાની જાણ થતા આસપાસના અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોરોને ભગાડી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ હુમલાના અનુસંધાને પોલીસે ફઝલ શેખ, મહેફૂઝ તથા ફઝલના બહેન અને ભાભી સહિત 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ હમીરસર બન્યું સુસાઇડ પોઇન્ડ, બે મહિનામાં 5 લોકોનાં આપઘાત

પથ્થરમારા અને હુમલાના બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરતા હકીકત સામે આવી કે, ફઝલ શેખ બાપુનગરની એક મહિલા બુટલેગરનો પુત્ર છે અને છેલ્લા કેટલાક સમયથી બાપુનગર વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ બંધ હોવાથી પોલીસ સાથે અવારનવાર બુટલેગરોનું ઘર્ષણ અને બોલાચાલી થતી હતી. જેમાં ગઈકાલે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ હુમલા સમયે એક આરોપી મહેફૂઝ તલવાર લઈ આવી પોલીસને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટીંગ, મારી નાખવાની ધમકી આપવી, સરકારી સંપત્તિને નુકસાન તથા હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ

મહત્વનું છે કે, શહેરના મુખ્ય માર્ગ પર પોલીસ જ સુરક્ષિત નથી અને બુટલેગરના પરિવારજનો પોલીસ પર હુમલો કરી ફરાર થઈ જાય છે. ત્યારે લોકોની સુરક્ષાની આશા પોલીસ પાસેથી કેવી રીતે રાખવી તે સૌથી મોટો પ્રશ્ન છે.