January 8, 2025

HMP વાયરસ અંગે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યુ – ગભરાવવાની જરૂર નથી

અમદાવાદઃ HMP વાયરસને લઈ અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોષીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘અત્યારે જે કેસ છે તે બાળકોમાં જોવા મળ્યા છે. આના કેસ બાળકો, વૃદ્ધો અથવા એવા વ્યક્તિ જેમની ઈમ્યુનલ સપ્રેસનની દવા ચાલતી હોય અથવા જેમની ઈમ્યુનિટી ઓછી હોય તેમને આ રોગ થવાના ચાન્સિસ છે. આ વાયરસનું ઇન્ફેક્શન થાય તો તેમાં શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસથી ગભરાવવાની જરૂર છે નહીં.’

ગુજરાતમાં વાયરસનો પહેલો કેસ
ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં HMP વાયરસગ્રસ્ત બાળક દાખલ છે. ત્યારે આ અંગે ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર કહે છે કે, ‘બાળક મૂળ ડુંગરપુરનું છે. થોડા સમયથી મોડાસાની હોસ્પિટલમાં દાખલ હતું. ત્યારબાદ હાલ ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ છે. ઓરેન્જ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. મેટાનિમો વાયરસ પોઝીટીવ છે પણ તે ચાઇના જેવો વેરિયન્ટ છે કે તેની તપાસ કરવી પડે.’

આ પણ વાંચોઃ ગુજરાતમાં પહેલો HMP વાયરસનો કેસ; બાળક હવે સ્વસ્થ, રજા અપાશે

આ મામલે ઓરેન્જ હોસ્પિટલના તબીબ કહે છે કે, ‘આ હ્યુમન મેટાપ્યુમો વાયરસ છે. બાળક હવે સ્વસ્થ છે. તેને રજા આપવામાં આવશે. આ વાયરસ જૂનો છે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ચીનના વાયરસ સાથે સરખામણી કરવી યોગ્ય નથી. આ અંગે આરોગ્ય વિભાગને અમે જાણ કરી છે. આગળના રિપોર્ટ કરાવ્યા બાદ જ માલૂમ પડશે.’

આ પણ વાંચોઃ વાયરસની ઇન્ટેન્સિટીને આધારે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

ગાઇડલાઇન બહાર પાડવામાં આવશેઃ ઋષિકેશ પટેલ
ભાજપના મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીમાં વાયરસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેસિટી કેટલી છે, તેના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઇડ લાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે.’

આગળ જણાવતા ઋષિકેશ પટેલ કહે છે કે, ‘શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાયરસમાં છે. જે લક્ષણ હોય તેની દવા થાય એ જ SOP છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી.’