April 7, 2025

આનંદ નિકેતન સ્કૂલના ડ્રાઇવરે નશાની હાલતમાં 20 કિમી બસ દોડાવી, સોસાયટીમાં અકસ્માત સર્જ્યો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરની આનંદ નિકેતન સ્કૂલના દારૂડિયા ડ્રાઇવરે 20 કિલોમીટર સુધી 35 બાળકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. આનંદ નિકેતન સ્કૂલના બસને ઘાટલોડિયા ખાતે સોસાયટીમાં બસને રિવર્સ લેતા સમયે અકસ્માત થયો હતો. પરંતુ સદનસીબે બસમાં બાળકો ન હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘાટલોડિયા ખાતે આવેલી નાલંદા સ્કૂલનું સંચાલન આનંદ નિકેતન સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. ત્યારે એન્યુઅલ ફંકશન હોવાના કારણે નાલંદા સ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજિત 35 જેટલા વિદ્યાર્થીઓને શીલજ ખાતે પ્રેક્ટિસ માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રેક્ટિસથી આવ્યા બાદ બાળકોને સ્કૂલમાં ઉતારીને ડ્રાઇવરે પાસેની શ્રીનાથ સોસાયટીમાં બસને રીવર્સ લેતા સમયે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા આસપાસના લોકોએ તપાસ કરતા માલુમ પડ્યું કે, ડ્રાઇવર દારૂની નશામાં હતો. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, શાળાએ ડ્રાઇવરની તપાસ કેમ ન કરી સવારે બાળકોને પ્રેક્ટિસ માટે લઈને પરત ફર્યો ત્યાં સુધી શાળાના એકપણ કર્મચારી દ્વારા ડ્રાઇવર પીધેલા હોવાનું ધ્યાનમાં ન આવ્યું.

અકસ્માત થતા જ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ સ્થળ ઉપર આવીને તપાસ કરી હતી. આ સમગ્ર મામલે શાળા દ્વારા ખુલાસો કરવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે. બસના ડ્રાઇવર મહેશ ઠાકોર ન્યૂઝ કેપિટલના કેમેરા પર કબૂલ્યું હતું કે, તે રોજ સાંજે દેશી દારૂ પીવે છે અને ગતરોજ સાંજે દારૂનો નશો કર્યો હતો. ડ્રાઇવરે જણાવ્યું હતું કે, માતાજીનો પ્રસંગ હોવાથી દારૂ પીધો હતો અને ભાનમાં ન હોવા છતાં તે સવારે બસ લઈને આવ્યો હતો.

બીજી તરફ શાળા દ્વારા પહેલા અકસ્માતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, બસના ડ્રાઇવરને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે. જે પણ નુકસાન થયું હશે તે ભરપાઈ કરવાની જવાબદારી પણ તેમણે લીધી હતી. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું શાળા દ્વારા સવારના સમયે ડ્રાઇવરનું ચેકિંગ કરવામાં નહોતું આવ્યું? જો કોઈ ગંભીર અકસ્માત થયો હોત તો કોણ જવાબદાર તે પણ સૌથી મોટો સવાલ છે.