6 વર્ષની બાળકીના હત્યારાની ધરપકડ, દુષ્કર્મનો પ્રયાસ કરી માથું છૂંદી નાંખ્યું હતું

મિહિર સોલંકી, અમદાવાદઃ ગ્રામ્યના ચાંગોદરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી છે. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પથ્થરથી માથું છૂંદીને હત્યા કરી હતી. ઓરિયો નામના ડોગે આરોપીને શોધીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રવીન્દ્રકુમાર મોજીની 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના પ્રયાસ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચાંગોદરમાં આવેલી લેબર કોરોનીમાં 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

પોલીસે લેબર કોલોનીમાં રહેતા 100 મજૂરોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે 50થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરી છે. આ દરમિયાન 3 શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા. આ બાળકીની હત્યા કરનારા આરોપી કોણ છે, તેની તપાસ માટે પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી હતી. ત્યારે ઓરિયા નામનો ડોગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઓરિયા ડોગે ઘટનાસ્થળે બાળકી પાસેથી મળી આવેલા એક કપડાની સ્મેલ પરથી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપી રવિન્દ્ર મોજીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી રવિન્દ્ર મોજી મૂળ બિહારનો રહેવાસી છે. બે મહિના પહેલા જ અમદાવાદ આવ્યો હતો. આરોપી લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કરતો હતો. 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી, ત્યારે આરોપી બિસ્કિટ આપવાના બહાને બાળકીને ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ચીસાચીસ કરતા આરોપીએ પથ્થરથી તેની પર હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ આરોપી પરિણીત છે અને દોઢ વર્ષનો દીકરો પણ છે. પત્ની અને બાળક બિહારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

ઓરિયો નામના ડોગે ફરી વધુ એક ગુનાનો ભેદ ઉકેલીને સફળતા મેળવી છે. અગાઉ મણિનગરમાં પણ ઘરફોડ ચોરીને પકડ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં હત્યાના આરોપીને દબોચી લીધો હતો. હાલમાં 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ પ્રયાસ કેસમાં ચાંગોદર પોલીસે પોક્સો અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરવામાં આવી છે.