July 8, 2024

10 વર્ષના બાળકના અપહરણ મામલે ચાર આરોપીની ધરપકડ, રાજસ્થાનથી ઝડપ્યાં

મિહિર સોની, અમદાવાદઃ નિસંતાન દંપતીએ કાલુપુર રેલવે સ્ટેશન નજીક 10 માસના બાળકનું અપહરણ કર્યું હતું. સીસીટીવીમાં અપહરણ કરતા કેદ થયા હતા. ત્યારે શહેરકોટડા પોલીસે રાજસ્થાનથી અપહરણ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, કાલુપુર મેટ્રો સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેલી રૂક્સાનાબાનુ 10 માસની દીકરી સાથે 30 જૂને રાત્રે ફૂટપાથ પર સૂતી હતી. ત્યારે આરોપીઓએ બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીના અપહરણને લઈને શહેર કોટડા પોલીસમાં ગુનો દાખલ થતા વોટ્સએપ ગ્રુપમાં બાળકીના અપહરણને લઈને માહિતી વાયરલ કરવામાં આવી. જેમાં ગુનાની ગંભીરતાને આધારે ઝોન-3 એલસીબી અને શહેરકોટડા પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી.

કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પાસેના સીસીટીવી ચેક કરતા બાળકીનું અપહરણ અજાણ્યા મહિલા અને પુરુષ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપી રાજસ્થાનની કાશીગુડા લાલગઢ એકસપ્રેસમાં જઈ રહ્યા હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી 10 માસની બાળકીને હેમખેમ છોડાવી હતી. પોલીસે આ મામલે એક દંપતી રાહુલ માલી અને પત્ની કવિતા માલી, પૂનમ સોલંકી, રૂબિનાબાનુ પઠાણની પોલીસે 10 માસની બાળકીના અપહરણ કેસમાં ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલા આરોપી કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 12 પાસે ફૂટપાથ પર રહેતા હતા. જેમાં પતિ રાહુલ માલી અને પત્ની કવિતા માલી નિસંતાન હતા. જેથી પોતાનું બાળક મેળવા માટે રૂકસાનાબાનુની બાળકીના અપહરણનું ષડયંત્ર રચ્યું હતું અને તેમણે રૂબિનાબાનુ અને પૂનમને પણ આ ષડયંત્રમાં સામેલ કર્યા હતા. આ આરોપીઓએ બાળકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી લીધા હતા. જેમાં આરોપી રાહુલ માલી વિરુદ્ધ જયપુરમાં રેલવે સ્ટેશનમાં લોખંડ ચોરી કેસમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસે રાહુલ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ હતું.

પકડાયેલા ચારેય આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ નિસંતાન હોવાના કારણે અપહરણ હતું કે, હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંકળાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.