જમ્મુ-કાશ્મીરમાં નવા જૂનીના એંધાણ…!, ભાજપના ટોચના નેતાઓ દિલ્હી પહોંચ્યા
Jammu and Kashmir Elections: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં બહુપ્રતીક્ષિત વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં યોજાઈ શકે છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહે અચાનક જમ્મુ અને કાશ્મીર એકમના ટોચના અધિકારીઓને નવી દિલ્હી બોલાવ્યા, જ્યાં તેઓ ગુરુવારે સાંજે તેમની સાથે બેઠક કરશે.
જમ્મુ અને કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈનાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળવા માટે આજે સાંજે નવી દિલ્હી જઈ રહ્યા છીએ.” ગયા વર્ષે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવે.
પાર્ટીના એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી સાથેની બેઠક નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં રાત્રે 8 વાગ્યે યોજાશે.” રૈના ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર એકમના સંગઠન સચિવ અશોક કૌલ, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, સાંસદ જુગલ કિશોર શર્મા, મહાસચિવ સુનિલ શર્મા, વિબોધ ગુપ્તા અને ડૉ. દેવિન્દર કુમાર મન્યાલ (જનરલ સેક્રેટરી) બેઠકમાં ભાગ લેશે.
અમિત શાહ અને નડ્ડા સાથે મુલાકાત કરતા પહેલા પાર્ટીના નેતા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રભારી જી કિશન રેડ્ડીને પણ મળશે. એવું માનવામાં આવે છે કે જેપી નડ્ડા 6 જુલાઈએ પાર્ટી કાર્યકારી બેઠક માટે જમ્મુની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત આગામી વિધાનસભાની ચૂંટણી માટે યોજનાઓની જાહેરાત કરીને પાર્ટીને વેગ આપશે. ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદીને અપડેટ કરવાનું કામ શરૂ કરી દીધું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદી અપડેટ કરવી જરૂરી છે.
ભાજપ અને પીડીપીની અગાઉની ચૂંટાયેલી સરકાર 19 જૂન, 2018 ના રોજ પડી ગઈ હતી, જ્યારે ભાજપે સુરક્ષાના કથળતા માહોલને લઈને જોડાણમાંથી બહાર નીકળી ગયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014 માં યોજાઈ હતી, જેમાં મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વમાં ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી.