July 4, 2024

આ તારીખ બાદ રોડ, ટ્રેન અને ફ્લાઈટથી અયોધ્યા ધામ જઈ શકાશે, જાણો શું છે વિકલ્પો ?

AYODHYA -NEWSCAPITAL

અયોધ્યામાં રામ મંદિરમાં હવે થોડા જ દિવસો બાદ જાહેર જનતા પણ દર્શન માટે જઈ શકશે. PM નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પછી લોકો ભગવાન રામના દર્શન કરી શકશે. આ મંદિરને લઈને લોકોમાં અદ્દભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં ઘણા સમયથી ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એવા લાખો લોકો છે જેઓ ઉદ્ઘાટન પ્રસંગે અથવા તે પછી મંદિરમાં પહોંચીને રામલલાના દર્શન કરવા માગે છે.

જો તમે પણ રામની નગરી જવાનું વિચારી રહ્યા છો, પરંતુ રૂટ, પરિવહનના વિકલ્પો અને અન્ય બાબતોને લઈને મૂંઝવણમાં છો, તો અહીં અમે તમને અયોધ્યા પહોંચવાના તમામ વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપીશું.

1. વિમાન દ્વારા

તમે પ્લેન દ્વારા પણ અયોધ્યા પહોંચી શકો છો. પીએમ નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2023માં અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઘણી એરલાઈન્સે ઉદ્ઘાટન સમારોહના અવસર પર શહેરમાં વિશેષ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. આ પછી પણ ફ્લાઈટ્સ ચાલુ રહેશે. આ સિવાય તમે ગોરખપુર, લખનૌ અને પ્રયાગરાજ એરપોર્ટની ફ્લાઈટ લઈને પણ અહીં આવી શકો છો.

2. ટ્રેનનો વિકલ્પ પણ છે

કેન્દ્ર સરકારે અયોધ્યાને સમગ્ર દેશ સાથે ટ્રેન દ્વારા જોડવા પર પણ ધ્યાન આપ્યું છે. આ સંબંધમાં ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. સરકારે અયોધ્યામાં ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યું છે. ત્યારે તમે ગોરખપુર અથવા તેનાથી આગળ જતી મોટાભાગની ટ્રેનો દ્વારા અહીં જઈ શકો છો.

આ પણ વાંચો : રામ મંદિરમાં ધાર્મિક વિધિના ચોથા દિવસે ‘નવગ્રહ’ની સ્થાપના થઈ, 22મીએ રામલલાની આ રીતે થશે પ્રાણ પ્રતિષ્ઠા

AYODHYA -NEWSCAPITAL3. બસ અને કાર દ્વારા

તમે અયોધ્યા માટે બસ પણ લઈ શકો છો. યુપી રોડવેઝ ઉપરાંત અન્ય ઘણી બસો પણ અયોધ્યા સુધી દોડી રહી છે. ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસો લખનૌ, ગોરખપુર, દિલ્હી અને અન્ય મોટા શહેરોમાંથી ચાલે છે. આ ઉપરાંત, જો તમે તમારા પોતાના વાહન દ્વારા આવવા માંગતા હોવ અને દિલ્હી એનસીઆરમાં છો, તો તમે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે થઈને યુમના એક્સપ્રેસ-વેથી અયોધ્યા પહોંચી શકો છો.

આ તારીખ બાદ અયોધ્યા જઈ શકાશે 

જો તમે અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમારે આગામી 23 તારીખે અથવા તે પછી જવું જોઈએ. કારણ કે 20 જાન્યુઆરીથી અયોધ્યામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અયોધ્યાની અંદર રહેતા લોકોને જ તેમના ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે અહીંના લોકોએ પણ પોતાનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે. પોલીસ અને પ્રશાસને અયોધ્યાની અંદર રહેતા લોકોને 22 જાન્યુઆરી સુધી બહાર ન આવવાની અપીલ કરી છે. આવી સ્થિતિમાં 22મી સુધી અયોધ્યા જવાનો પ્લાન ન બનાવો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલશે. 22મીએ માત્ર આમંત્રિત સભ્યો જ દર્શન કરી શકશે.