December 22, 2024

ઈઝરાયલમાં હુમલા બાદ અમેરિકાનું સમર્થન, ભારતે કહ્યું – હિંસા છોડો

અમદાવાદ: ઈરાનના હુમલા પછી બ્રિટને ઈઝરાયલની મદદ માટે રોયલ એરફોર્સના જેટ અને એર રિફ્યુઅલિંગ ટેન્કરો મોકલ્યા. ઈરાનના હુમલા બાદ અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયલના સમર્થનમાં આવ્યું છે. તો બીજી તરફ ભારત સરકારે પણ આ હુમલા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમે બંને દેશોને તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ રાખવા, હિંસાથી પીછેહઠ કરવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું છે.

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ઈરાન તરફથી મળેલી ધમકીઓ અને મધ્ય પૂર્વમાં ઝડપથી વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સરકાર તણાવ ઘટાડવા અને આ હુમલાઓને રોકવા માટે તેના ભાગીદારો સાથે મળીને તમામ સંભવિત પગલાં લઈ રહી છે. અમે ઘણા રોયલ એરફોર્સ જેટ અને એર રિફ્યુઅલિંગ ટેન્કરો ઇઝરાયેલ મોકલ્યા છે. મહત્વનું છેકે, ઈરાનના હુમલા બાદ અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયલના સમર્થનમાં આવ્યું છે. અમેરિકાના રક્ષા મંત્રીએ ઈઝરાયેલના સમકક્ષ યોવ ગાલાંટ સાથે વાત કરી છે.

ભારતે કહ્યું- સંયમ રાખો
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવથી આખું વિશ્વ ડરી ગયું છે. ગત રાત્રના થયેલા હુમલા બાદ ભારતે કહ્યું કે, અમે આ દુશ્મનાવટથી ગંભીરતાથી ચિંતિત છીએ. જે આ દેશ અને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે. અમે બંને દેશોને તાત્કાલિક તણાવ ઓછું કરવા, સંયમ રાખવા, હિંસાથી પીછેહઠ કરવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ. અમે સ્થિતિ પર જીણવટ ભરી નજર રાખી રહ્યા છીએ. અમારું દૂતાવાસ આ ક્ષેત્રમાં ભારતીય સમુદાય સાથે ગાઢ સંપર્કમાં છે. જેથી તેમની સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.

આ પણ વાંચો: ઈરાનનો મધરાતે ઈઝરાયલ પર 200 મિસાઈલ અને ડ્રોનથી હુમલો

બંને દેશો વચ્ચેનું ઘર્ષણ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મની ઈરાનમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી સમાચારોમાં છે. એ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ઈરાને ઈઝરાયલ પર સીધો સૈન્ય હુમલો કર્યો છે. આ હુમલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે હંગામો ચાલી રહ્યો છે. ઈરાનના આ હુમલા અંગે ફ્રાન્સે કહ્યું છે કે, તહેરાને નવી મર્યાદા વટાવી દીધી છે. જેનાથી વૈશ્વિક સ્તરે સૈન્ય તણાવ વધુ વધશે.

ઈરાનના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો
ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. ઘણા મધ્ય પૂર્વીય દેશોએ જાહેરાત કરી છે કે તેઓ ઇઝરાયલ પરના જવાબી ઇરાની હુમલાને ધ્યાનમાં રાખીને તેમની એરસ્પેસ બંધ કરી રહ્યા છે તો કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.

ઈરાને ઈઝરાયલ પર શા માટે હુમલો કર્યો?
સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર 1 એપ્રિલે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર સહિત ઘણા સૈન્ય અધિકારીઓના મોત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઈરાને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે હજુ સુધી ઈઝરાયલ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.