June 30, 2024

IGI ટર્મિનલ-1 દુર્ઘટના બાદ એક્શનમાં સરકાર, સિવિલ એવિએશન મંત્રીએ આપ્યા આદેશ

IGI Airport Accident: રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશન (IGI) એરપોર્ટ પર આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ. એરપોર્ટ ટર્મિનલ-1 પર વરસાદને કારણે છત ધરાશાયી થઈ ગઈ જેને કારણે નીચે હાજર અનેક લોકો દબાઈ ગયા. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. હવે, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ આ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશો આપી દીધા છે. તેમણે જાહેરાત કરી છે કે એરપોર્ટ પર બાંધકામની ઊંડી તપાસ કરવામાં આવશે.

તપાસ બાદ શરૂ થશે ટર્મિનલ-1

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી IGI એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સંપૂર્ણ તપાસ બાદ જ ટર્મિનલ-1 ફરી શરૂ કરવામાં આવશે. ફ્લાઇટ ઓપરેશનને ટર્મિનલ-2 અને ટર્મિનલ-3 પર શિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

20 લાખના વળતરની કરી જાહેરાત

આ ઉપરાંત, સરકાર તરફથી મૃતકના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો, ઇજાગ્રસ્ત લોકોને 3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે જે સ્થળે આ દુર્ઘટના સર્જાઇ છે તે વર્ષ 2009માં બનાવવામાં આવ્યો હતો.

આજે સવારે સર્જાઇ હતી દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે, આજે સવારે 5 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે IGI (ડોમેસ્ટિક) એરપોર્ટના ટર્મિનલ-1ની બહાર ડિપાર્ચર ગેટ નંબર 1થી લઈને ગેટ નંબર 2 સુધીનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. જેને કારણે લગભગ 4 વાહનોને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે લગભગ 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોની સ્થિતિ સ્થિર છે. દિલ્હી પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, CISF અને NDRFની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.