April 8, 2025

ડીસા આગકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું, ગાંધીનગર કલેક્ટરે આકસ્મીક તપાસ કરવા સૂચના આપી

મલ્હાર વોરા, ગાંધીનગર: ડીસા ફટાકડા ફેકટરીમાં આગ લાગતા 21 લોકોના મોત નીપડ્યા છે. આ ઘટના બાદ સરકાર સફાળી રીતે જાગી છે. ગાંધીનગર કલેક્ટર કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં ગાંધીનગર જિલ્લામાં આકસ્મીક ચકાસણી કરી કાર્યવાહી કરવા કહ્યું છે.

ફટાકડાના ઉત્પાદન અને વેચાણ કરતા એકમોની આકસ્મિક મુલાકાત કરવા સૂચના આપી છે. આકસ્મિક મુલાકાત લઈ કોઈ સૂચનાઓનો ભંગ થાય છે કે કેમ તે સમયાંતરે જોવા સૂચના આપવામાં આવી છે. ગોડાઉન તથા ફેક્ટરીની આકસ્મિક ચકાસણી કરી ગેરકાયદેસર કે લાઇસન્સ વિનાના ગોડાઉન મળે તો નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે.

સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર થતી ઘાતક અસરોના પરિપ્રેક્ષ્યમાં પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ બાબતે સૂચનાઓ ચૂસ્ત અને પરિણામલક્ષી અમલવારી સુનિશ્ચિત કરવા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ કરતા એકમોની આકસ્મિક મુલાકાત લઇ ઉપર્યુકત સૂચનાઓનો ભંગ થાય છે કે કેમ તે સમયાંતરે જોવા અને આ પરત્વે સંબંધિત સર્વેને પર્યાપ્તપણે sensitize કરવા સૂચના આપવામાં આવી છે.

પરવાનેદારોના ધંધાના સ્થળની તથા એકપ્લોઝિવ કેમિકલ્સનું સ્ટોરેજ ધરાવતા ગોડાઉન તથા ફેક્ટરીની આકસ્મિક ચકાસણી કરી કોઈ ગેરકાયદેસર કે લાઇસન્સ વિનાના કે ગોડાઉન માલુમ પડે તો નિયમોનુસારની કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ મોકલવા સૂચના જાહેર કરાઇ છે.