ફિલિપાઇન્સ ભારત પાસેથી બ્રહ્મોસ બાદ હવે ખરીદશે તેજસ ફાઈટર જેટ
India-Philippines Relations: ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી સતત વધી રહી છે. ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદ્યા બાદ ફિલિપાઈન્સ સરકાર હવે તેજસ ફાઈટર જેટ ખરીદવામાં રસ દાખવી રહી છે. દેશની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ ફિલિપાઈન્સને LCA તેજસ Mk 1 ઓફર કર્યું છે. એટલું જ નહીં, HALએ ફિલિપાઈન્સ સરકારને પોતાના દેશમાં જ જેટ બનાવવાની ઓફર કરી છે. જો ફિલિપાઇન્સ દ્વારા આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે તો તે ભારત માટે સંરક્ષણ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ ગણાશે.
HAL તેજસ MK 1A બનાવવામાં વ્યસ્ત
HAL ભારતીય વાયુસેનાને તેજસ MK-1A બનાવવમાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફાઇટર એરક્રાફ્ટ બ્રહ્મોસ જેવી સ્વદેશી ખતરનાક મિસાઇલોથી સજ્જ હશે. ફિલિપાઇન્સના મીડિયા અહેવાલો અનુસાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ફિલિપાઈન એરોસ્પેસ ડેવલપમેન્ટ કોર્પમાં તેજસ MK-1ને એસેમ્બલ કરવાની ઓફર કરી છે. એટલું જ નહીં, ભારતે ફિલિપાઈન્સની સશસ્ત્ર દળોના આધુનિકીકરણમાં સહયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ભારતે આ કામમાં ફિલિપાઈન્સને મદદ કરવા માટે સોફ્ટ લોન આપવાની વાત પણ કરી છે.
દક્ષિણપૂર્વ એશિયાના દેશો ચીનના વધતા વર્ચસ્વથી પરેશાન
નોંધનીય છે કે હાલના સમયમાં ચીનના વધતા વર્ચસ્વને જોતા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ચિંતા વધી ગઈ છે. જેના કારણે આ દેશો ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરારો કરી રહ્યા છે.ભારત દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને રશિયન શસ્ત્રો અને તેમની જાળવણી અને સમારકામ સેવાઓ પણ પ્રદાન કરે છે. આ માટે HALએ 2022માં મલેશિયાના કુઆલાલંપુરમાં તેની ઓફિસનું નિર્માણ કરાવ્યું છે.