સાહસ, શૌર્ય અને શક્તિ ઇન્ડિયન નેવીના પર્યાય
અમદાવાદ: સમયના બદલાવ સાથે ઇન્ડિયન નેવીએ અનેક શિખરો સર કર્યા અને દુશ્મનના તમામ ઈરાદાઓને ધ્વસ્ત કર્યા છે. જેના નામથી પાકિસ્તાન ફફડે છે, દુશ્મનો પોતાનું સ્થાન છોડી દે છે, ભારતીય નૌસેના સાહસ અને શૌર્ય જેની ઓળખ છે. અમે ઇન્ડિયન નેવીના સાહસથી ભરપૂર એક ઓપરેશનની વાત કરી રહ્યા છીએ. ભારતના દરિયાકાંઠાથી લગભગ 2800 કિલોમીટર દૂર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. MV રુએન નામના જહાજને છોડાવવા માટે આ ઓપરેશન હતું. ત્રણ મહિના પહેલાં એડનની ખાડીમાંથી આ જહાજને હાઇજેક કરી લેવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીના સાહસ આગળ 35 દરિયાઈ ડાકુઓ ટકી નહોતા શક્યા. આ કમાન્ડોની તાકાત જોઈને આ ડાકુઓએ શરણાગતિ સ્વીકારવી પડી હતી.
કેવી રીતે ઓપરેશનને પાર પડાયું
હાઇજેક કરાયેલા જહાજની સાથે શુક્રવારે સંપર્ક થયો અને ઇન્ડિયન નેવીએ INS કોલકાતાને મોકલ્યું. યુદ્ધજહાજે 2600 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને આખરે શુક્રવારે સવારે હાઇજેક કરાયેલા જહાજને ઘેરી લીધું. ઑપરેશન શરૂ કરતાં પહેલાં ડાકુઓને શરણાગતિ સ્વીકારવા કહેવાયું. નેવીએ જહાજમાંથી હાઇજેક કરાયેલા શિપ પર ડ્રોન મોકલ્યું અને ડ્રોનથી હથિયારધારી ડાકુઓની હાજરી કન્ફર્મ થઈ. પણ દરિયાઈ ડાકુઓએ ડ્રોનને તોડી પાડ્યું હતું. તો નેવીએ જહાજને બચાવવા માટે એક હેલિકોપ્ટર મોકલ્યું. દરિયાઈ લુટારુઓએ નેવીના હેલિકોપ્ટર પર ફાયરિંગ કર્યું અને સામે નેવીએ સ્વરક્ષણ માટે ફાયરિંગ કર્યું. નેવીએ હાઇજેક કરાયેલા જહાજની સિસ્ટમ બંધ કરાવી દીધી અને આખરે ડાકુઓએ શરણાગતિ સ્વીકારવી પડી. આ આખા ઑપરેશનને સંકલ્પ નામ આપવામાં આવ્યું હતું. આખરે 17 ક્રૂ મેમ્બર્સને પણ બચાવી લેવામાં આવ્યા. આ લોકો ત્રણ મહિનાથી આ ડાકુઓના કબજામાં હતા. 40 કલાક સુધી આ ડેરિંગ ઓપરેશન ચાલ્યું. આ ઓપરેશનમાં INS સુભદ્રા, INS કોલકાતા, ડ્રોન્સ, P8I એરક્રાફ્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મરીન કમાન્ડોએ બહાદૂરીપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું હતું.
આ જહાજમાં બલ્ગેરિયાના સાત નાગરિકો પણ હતા. ઇન્ડિયન નેવીના કારણે જ આ નાગરિકો મુક્ત થઈ શક્યા હતા. એટલે જ બલ્ગેરિયાની સરકારે ઇન્ડિયન નેવીના આ પરાક્રમની પ્રશંસા કરી હતી. બલ્ગેરિયાના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી મારિયા ગ્રેબિયલે એક ટ્વીટ કરીને જણાવ્યું કે, અમે ઇન્ડિયન નેવીના આભારી છીએ.
સાહસ, શૌર્ય અને શક્તિ ઇન્ડિયન નેવીના પર્યાય
ઇન્ડિયન નેવીએ અનેક સફળ ઓપરેશન્સ પાર પાડ્યાં છે. જેમાં એડનની ખાડીની જેમ જ ઇન્ડિયન નેવીના મરીન કમાન્ડોએ સોમાલિયામાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ઇન્ડિયન નેવીએ આ વર્ષે જાન્યુઆરીમાં 36 કલાકમાં બે જહાજોને દરિયાઈ ડાકુઓથી બચાવ્યા હતા. ભારતીય નૌકાદળનો પોતાનો ગૌરવશાળી ઇતિહાસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની વિસ્તારવાદી નીતિઓ હોય કે પાડોશી દેશ પાકિસ્તાનની ચાલ. ઇન્ડિયન નેવીએ હંમેશા કમાલ કર્યો છે. 1971ના ભારત-પાક યુદ્ધમાં ભારતીય નૌસેનાએ જ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ યુદ્ધના કારણે દેશ દર વર્ષે ચોથી ડિસેમ્બરે નેવી ડે ઉજવે છે. 1971માં જ્યારે બાંગ્લાદેશની આઝાદી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એ સમયે યુદ્ધ દરમ્યાન ચોથી ડિસેમ્બરે ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી નેવલ બેઝ પર હુમલો કરીને એનો નાશ કર્યો હતો. આ દિવસ તેની સફળતાની યાદમાં ઉજવવામાં આવે છે. દુનિયાની સૌથી પાવરફુલ નૌકાદળોમાં ઇન્ડિયન નેવી સામેલ છે. લગભગ 400 વર્ષ પહેલાં 1612માં નેવીની રચના થઈ હતી. એ સમયે એને રોયલ ઇન્ડિયન નેવી કહેવામાં આવતી હતી.
ભારતીય નૌકાદળની શક્તિશાળી અને ચપળ વ્યૂહરચનાનું જ પરિણામ હતું કે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું. જેના પછી પાકિસ્તાનને યુદ્ધમાં ફરી ઉભા થવાની તક મળી નથી. આ ઓપરેશન ટ્રાઇડેન્ટની સફળતાની યાદમાં ચોથી ડિસેમ્બરે ભારતીય નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે. આ ઓપરેશનમાં ભારતીય નૌકાદળે કરાચી બંદરને નષ્ટ કર્યું હતું. આ દિવસે ભારતીય નૌકાદળે તેના મુખ્ય જહાજ પીએનએસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. આ ઓપરેશનમાં પાકિસ્તાની નેવીના સેંકડો સૈનિકો માર્યા ગયા હતા. અને આજ ભારતની ઝળહળતી સફળતા હતી.