September 20, 2024

સંપત્તિમાં અંબાણીથી આગળ નીકળ્યા અદાણી, હુરૂન રીચ લિસ્ટમાં આ એક્ટર પણ સામેલ

Hurun India Rich List 2024: 11.6 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રથમ સ્થાને આવી ગયા છે. હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ભારતમાં દર 5 દિવસે એક નવો અરબપતિ ઊભરી આવ્યો હતો. રિપોર્ટમાં સંપત્તિની ગણતરી 31 જુલાઈ, 2024ના રોજ કરવામાં આવી હતી.

ધન સર્જન એન્જિન તરીકે ઉભરી રહ્યું છે ભારત
હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય શોધકર્તા અનસ રહેમાન જુનૈદે જણાવ્યું કે, “ભારત એશિયાના ધન સર્જન એન્જિન તરીકે ઉભરી રહ્યું છે, જ્યારે ચીનમાં અરબપતિઓની સંખ્યામાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે અને અબજપતિઓની સંખ્યા રેકોર્ડ 334 સુધી પહોંચી છે! “

રીચ લિસ્ટમાં આ પરિવારો સતત ટોપમાં 
2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુકેશ અંબાણી 10,14,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. HCL ટેક્નોલોજીસના શિવ નાદર અને પરિવાર આ વર્ષે 3,14,000 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વેકસીન નિર્માતા સાયરસ એસ. પૂનાવાલા અને પરિવાર આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. તેમના બાદ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના દિલીપ સંઘવી છે. છેલ્લા 5 વર્ષમાં 6 લોકો સતત ભારતના ટોપ 10માં રહ્યા છે. આ યાદીમાં ટોપમાં ગૌતમ અદાણી પરિવાર છે. ત્યારબાદ, મુકેશ અંબાણી પરિવાર, શિવ નાદર, સાયરસ એસ પૂનાવાલા અને પરિવાર, ગોપીચંદ હિંદુજા અને પરિવાર, અને રાધાકિશન દામાણી અને પરિવાર છે.

ભારતના સૌથી યુવા અરબપતિઓમાં ઝેપ્ટોના કૈવલ્ય વોહરા
2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સૌથી યુવા 21 વર્ષીય કૈવલ્ય વોહરા છે, જે 5 બિલિયન ડોલરના ક્વિક કોમર્સ સ્ટાર્ટઅપ Zeptoનું સંચાલન કરે છે. તેમના સહ-સ્થાપક 22 વર્ષીય અદિત પાલિચા આ લિસ્ટમાં બીજા નંબરના સૌથી યુવા અરબપતિ છે.

આ લિસ્ટમાં પહેલીવાર આવ્યું શાહરુખ ખાનનું નામ
બોલીવુડ સ્ટાર કિંગ ખાન શાહરૂખ ખાનનું નામ પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ થયું છે. તેનું મુખ્ય કારણ IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં તેની ભાગીદારીનું વધતું મૂલ્ય છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીના હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટર્સે માત્ર એક વર્ષમાં 40,500 કરોડ રૂપિયા ઉમેરાયા છે. આ ક્ષેત્રમંત્રી 7 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે.