પૂર્વ કર્મચારી જ કૃષ્ણનગર એસટી બસ ડેપોમાંથી બસ ચોરી ગયો
મિહિર સોની, અમદાવાદ: શહેરના કૃષ્ણનગર એસટી બસ ડેપોમાંથી બસ ચોરી કરનાર આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ નશામાં બસ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપી અંદાજિત છેલ્લા 18 વર્ષથી માનસિક બીમારીની દવા લઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી કરનાર આરોપીનું નામ તુષાર ભટ્ટ છે. જેની નરોડા પોલીસે બસ સાથે દેહગામના કનીપુર ગામ પાસેથી ધરપકડ કરી છે. જો બનાવ ઉપર નજર કરીએ તો 14 ફેબ્રુઆરીની મોડી રાત્રે આરોપી તુષાર કૃષ્ણનગર એસટી ડેપોમાં પાર્ક થયેલી અમરેલી જતી બસની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અને તે બસ અંગે તપાસ કરતા પોલીસે કનીપુર તળાવ પાસેથી કબજે કરી હતી. પોલીસે તુષારની ધરપકડ કરતા સામે આવ્યું કે, ચોરી પહેલા તેણે મિત્રો સાથે મળી નશો કર્યો હતો. જોકે તુષારના પરિવારની પૂછપરછ કરતા તુષાર વર્ષ 2005 થી માનસિક બીમાર છે. અને તેની સારવાર પણ ચાલી રહી હોવાના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
બસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી તુષારની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, અગાઉ તે ત્રણ વર્ષ એસટી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જે બાદ એએમટીએસમાં પણ ડ્રાઇવર તરીકે કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે તેની માનસિક બીમારી અંગે ખ્યાલ આવતા તેણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જેનો બદલો લેવા તેણે આ બસ ચોરી હોવાનું પોલીસ માની રહી છે. તો બીજી તરફ આરોપીએ બસ ચોરી કર્યા બાદ તેમાં રહેલું જીપીએસ બ્રેકર પણ હટાવી દીધું હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, તુષાર જ્યારે બસમાં પહોંચ્યો ત્યારે તેની ચાવી બસમાં લગાવેલી જ હતી. જેથી સરળતાથી ચોરી કરી કે ફરાર થયો હોવાનું સામે આવ્યું છે.
એસટી બસની ચોરીમાં પોલીસે આરોપીની ધરપકડ તો કરી પરંતુ એસટી વિભાગની પણ બેદરકારી સામે આવી છે. જેમાં એસટી ડેપોના એક પણ સીસીટીવી કામ ન કરતા હોવાનો ખુલાસો થયો હતો. તો બીજી તરફ ડ્રાઇવરે બેદરકારીથી ચાવી બસમાં રાખતા આરોપી સરળતાથી ચોરીને અંજામ આપી ફરાર થયો છે. જે અંગે પોલીસ એસટી વિભાગને પણ પત્ર લખી આ અંગે જાણકારી આપશે.