News 360
Breaking News

કોલકાતા ડોક્ટર રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોય દોષિત, સિયાલદહ કોર્ટે આપ્યો ચૂકાદો

કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા અંગે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સિયાલદહ કોર્ટે આરોપી સંજય રોયને દોષિત જાહેર કર્યો છે. સોમવારે સજા સંભળાવવામાં આવશે. 8-9 ઓગસ્ટ 2024ની રાત્રે મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આજે પીડિતાને ન્યાય મળ્યો. હાલમાં કોર્ટે સંજય રોયને દોષિત ગણાવ્યો છે.

સેશન કોર્ટના જજ અનિર્બાન દાસ સીબીઆઈની પ્રથમ ચાર્જશીટ પર 18 જાન્યુઆરી શનિવારના રોજ ચૂકાદો આપ્યો છે. ઑન-ડ્યુટી પીજીટી ઇન્ટર્નનો 9 ઑગસ્ટના રોજ હૉસ્પિટલ પરિસરમાં ક્રૂરતાપૂર્વક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.

13 ઓગસ્ટે કોલકાતા પોલીસ પાસેથી કેસ સંભાળ્યા બાદ કેન્દ્રીય એજન્સીએ 120થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. આ કેસમાં 66 દિવસ સુધી કેમેરા ટ્રાયલ ચાલી હતી. આ ઘટનામાં સંજય રોયને દોષિત સાબિત કરવા માટે, સીબીઆઈના વકીલે પુરાવા રજૂ કર્યા હતા, જેમાં એલવીએ ઉપરાંત ડીએનએ સેમ્પલ, વિસેરા વગેરેનો સમાવેશ થાય છે.

પીડિતા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી
તેમણે કહ્યું કે પીડિતાના શરીર પર લાળના સ્વેબના નમૂના અને ડીએનએના નમૂના સંજય રોય સાથે મેળ ખાય છે. એજન્સીએ દાવો કર્યો હતો કે પીડિતાએ બળાત્કાર અને હત્યાના સમયે પોતાને બચાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. જેમાં તેણે સંજય રોયના શરીર પર પાંચ વખત ઇજા પહોંચાડી હતી, જે રિપોર્ટમાં સામે આવી છે.

સીબીઆઈના વકીલે આ ઘટનાને અમાનવીયતાની હદ વટાવનારી ગણાવી છે. તપાસ દરમિયાન, મલ્ટિ-ઇન્સ્ટિટ્યુશનલ મેડિકલ બોર્ડ દ્વારા સબમિટ કરવામાં આવેલા રિપોર્ટમાં પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે પીડિતાનું મોત મેન્યુઅલ ગળું દબાવવાથી થયું હતું. જ્યારે તાલીમાર્થી ડોક્ટરે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેના ચશ્મા તૂટી ગયા. પીડિતા પ્રત્યેની ક્રૂરતા એટલી ગંભીર હતી કે તેની આંખો, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. પીડિતાની ગરદન અને હોઠ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા.

સુપ્રિમ કોર્ટે સુઓમોટુ લીધું હતું
આ ઘટનાના મામલામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટુ લીધું હતું અને દેશના ડોકટરોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ દેશભરના ડોકટરોની સુરક્ષામાં અંતરને દૂર કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.