December 12, 2024

અબુ મોહમ્મદ અલ-ગુલાની… કોણ છે અસદના 24 વર્ષ જૂના શાસનનો અંત કરનારો વિદ્રોહી

અમદાવાદઃ ગયા અઠવાડિયે સીરિયામાં પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. ત્યારબાદ બળવાખોરોએ દમાસ્કસ પર કબજો કરી લીધો અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદના 24 વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો. આ ઓપરેશનને કમાન્ડ કરનારા વ્યક્તિ અબુ મોહમ્મદ અલ-જુલાની છે. જુલાનીનું નામ આ પહેલા પણ ચર્ચામાં રહ્યું છે. તેનો જન્મ 1982માં સાઉદી અરેબિયામાં થયો હતો. તેમના પિતા પેટ્રોલિયમ એન્જિનિયર હતા. તે બાળપણમાં સાત વર્ષ સાઉદી અરેબિયામાં રહ્યો હતો, ત્યારબાદ તેનો પરિવાર સીરિયા પાછો ફર્યો હતો.

જુલાની 2003માં અલ-કાયદામાં જોડાયો હતો. તે સમયે અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો હતો. ત્યારબાદ 2011માં તેણે પોતાનું અલગ જૂથ બનાવ્યું હતું, જેનું નામ જભાત અલ-નુસરા હતું. પાછળથી આ જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) બન્યું. જુલાનીએ અલ-કાયદામાં અબુ બકર અલ-બગદાદી સાથે પણ કામ કર્યું હતું. પરંતુ 2013માં તેણે ISISથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ પછી તે ISIS સામે લડ્યો.

2018માં અમેરિકાએ HTSને આતંકવાદી સંગઠન જાહેર કર્યું અને જુલાની પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું. પરંતુ જુલાનીએ છબી બદલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય નિર્દોષ લોકોની હત્યા કરવાનો નથી. એચટીએસએ સીરિયાના ઇદલિબ પ્રાંતમાં તેની પકડ સ્થાપિત કરી અને સિવિલ એડમિનિસ્ટ્રેશન ‘સાલ્વેશન ગવર્નમેન્ટ’ શરૂ કર્યું. જુલાનીનું કહેવું છે કે, તેઓ સીરિયામાં એવી સરકાર ઈચ્છે છે જ્યાં લોકો તેમના નેતાઓને પસંદ કરી શકે.

દમાસ્કસ પર કબજો કર્યા પછી જુલાની હવે HTSને એક કાયદેસર અને મજબૂત વહીવટી સંસ્થા તરીકે રજૂ કરવા માગે છે. તે ઇચ્છે છે કે વિશ્વ તેના સંગઠનને આતંકવાદ સાથે ન જોડે, પરંતુ તેને સીરિયાના ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું માને.

ઉલ્લેખનીય છે કે, બશર અલ-અસદના 24 વર્ષના શાસન અને સીરિયામાં 13 વર્ષથી ચાલતા ગૃહયુદ્ધનો અંત આવ્યો છે. દેશની રાજધાની હવે હયાત અલ-શામના નિયંત્રણમાં છે. બળવાખોર જૂથના લડવૈયાઓએ માત્ર 10 દિવસમાં દમાસ્કસ પર વિજય મેળવ્યો. બળવાખોરોએ પછી જાહેરાત કરી કે, તેઓ સત્તાનું શાંતિપૂર્ણ સ્થાનાંતરણ ઇચ્છે છે અને વડાપ્રધાનને ત્યાં સુધી પદ પર રહેવા કહ્યું.