June 30, 2024

AAPને સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન સહિત ઘણા દેશોમાંથી ફંડિંગ મળ્યું, EDએ ગૃહ મંત્રાલયને આપ્યો રિપોર્ટ

Foreign Funding: દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાર્જશીટમાં આમ આદમી પાર્ટી (AAP)ને પણ આરોપી બનાવવામાં આવી છે. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. આ દરમિયાન AAP અને CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધુ વધતી જોવા મળી રહી છે. હકિકતે, EDએ ઓગસ્ટ 2022માં ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને વર્ષ 2014 થી 2022 દરમિયાન FCRA, RPAનું ઉલ્લંઘન કરીને વિદેશી દેશોમાંથી ભંડોળ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકીય પક્ષો વિદેશી ડોનેશન લઈ શકતા નથી.

આમ આદમી પાર્ટીને કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન અને અન્ય ઘણા દેશોમાંથી ભંડોળ મળ્યું છે. EDએ ગૃહ મંત્રાલયને કહ્યું કે રાજકીય પક્ષોને વિદેશી દાન પર લાદવામાં આવેલા નિયંત્રણોથી બચવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના ખાતામાં દાન આપનારાઓની ઓળખ છુપાવી હતી. આ વિદેશી ભંડોળ સીધું આમ આદમી પાર્ટીના IDBI બેંકમાં ખોલવામાં આવેલા ખાતામાં આવ્યું હતું.

AAP ધારાસભ્યના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા
ED અનુસાર, આમ આદમી પાર્ટીના નેતાઓમાં ધારાસભ્ય દુર્ગેશ પાઠકનું નામ પણ સામેલ છે, જેમણે આ વિદેશી ફંડિંગને પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યું હતું. વિદેશથી ફંડ મોકલનારા વિવિધ લોકોએ એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) અને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ (RPA) હેઠળ રાજકીય પક્ષો માટે વિદેશી ફંડિંગ લેવા પર પ્રતિબંધ છે અને તે અપરાધની શ્રેણીમાં આવે છે.

કેનેડામાં ઇવેન્ટ દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2016માં આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે કેનેડામાં આયોજિત એક કાર્યક્રમ દ્વારા ભંડોળ એકત્ર કર્યું હતું અને આ નાણાંનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો હતો.

આ કેવી રીતે જાહેર થયું?
હકિકતે, આ તમામ ખુલાસાઓ પંજાબના ફાઝિલ્કામાં નોંધાયેલા એક દાણચોરીના કેસ દરમિયાન થયા હતા. આ કિસ્સામાં, એજન્સીઓ પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરતી ડ્રગ કાર્ટેલ પર કામ કરી રહી હતી. આ કેસમાં ફાઝિલકાની વિશેષ અદાલતે પંજાબના ભોલાનાથથી AAP ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાને આરોપી બનાવીને સમન્સ પાઠવ્યા હતા. જ્યારે EDએ તપાસ દરમિયાન ખૈરા અને તેના સહયોગીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ખૈરા અને તેના સહયોગીઓના ઘરેથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીને વિદેશી ફંડિંગ વિશે સંપૂર્ણ માહિતી હતી. જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં 4 પ્રકારના લેખિત કાગળો અને 8 હાથથી લખેલા ડાયરીના પાના હતા, જેમાં અમેરિકન ડોનર વિશે સંપૂર્ણ માહિતી હતી. આ કાગળોની તપાસ દરમિયાન EDને ખબર પડી કે આમ આદમી પાર્ટીને યુએસએથી 1 લાખ 19 હજાર ડૉલરનું ફંડિંગ થયું છે. ખેરાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે પંજાબમાં 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ યુએસએમાં ફંડ એકત્રીકરણ અભિયાન ચલાવીને ફંડ એકઠું કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ATSએ ચાર આતંકીઓ દબોચ્યા

પાસપોર્ટ નંબર પરથી 404 વખત પૈસા ટ્રાન્સફર થયા
આ કેસમાં, EDએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાને સમન્સ પાઠવ્યું હતું, જેમણે કબૂલાત કરી હતી કે આમ આદમી પાર્ટી ચેક અને ઑનલાઇન પોર્ટલ દ્વારા વિદેશી ભંડોળ લેતી હતી. પંકજ ગુપ્તાએ EDને આપેલા ડેટાની તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી દાન સ્વીકારવામાં FCRAનું ઉલ્લંઘન થયું હતું. તે દરમિયાન EDને જાણવા મળ્યું હતું કે વિદેશમાં બેઠેલા 155 લોકોએ 55 પાસપોર્ટ નંબરનો ઉપયોગ કરીને 404 વખત 1.02 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. 71 દાતાઓએ 21 મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને 256 વખત કુલ 9990870 રૂપિયાનું દાન આપ્યું હતું. 75 દાતાઓએ 15 ક્રેડિટ કાર્ડ દ્વારા 148 વખતમાં 19,92,123 રૂપિયાનું દાન આપ્યું હતું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે દાતાની ઓળખ અને રાષ્ટ્રીયતા છુપાવવામાં આવી હતી, જે FCRAનું ઉલ્લંઘન છે.

AAP વિદેશી ભંડોળ માટે વિદેશી સંગઠન બનાવે છે
તપાસ દરમિયાન EDને ખબર પડી કે AAP ઓવરસીઝ ઈન્ડિયાની રચના આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ઓવરસીઝ ઈન્ડિયા યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવી હતી. જેનું કામ આમ આદમી પાર્ટી માટે ફંડ એકઠું કરવાનું હતું. એવું પણ બહાર આવ્યું છે કે વર્ષ 2016માં આ સ્વયંસેવકોને 50 કરોડ રૂપિયાનું દાન એકત્રિત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

કેનેડિયન નાગરિકોના 19 મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને 51 લાખ 15 હજાર 44 રૂપિયાનું ફંડિંગ મેળવ્યું હતું. EDની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આ કેનેડિયન નાગરિકોના નામ અને નાગરિકતા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે રેકોર્ડમાં નોંધવામાં આવ્યા ન હતા. આ દાનના બદલામાં અલગ-અલગ નામો લખવામાં આવ્યા હતા અને આ બધું જાણી જોઈને વિદેશી નાગરિકની નાગરિકતા છુપાવવા માટે કરવામાં આવ્યું હતું, જે FCRA 2010ની કલમ 3 અને RPAની કલમ 298નું સીધું ઉલ્લંઘન છે.