AAPના મંત્રી આતિશીનો મોટો દાવો, કહ્યું – BJP જોઇન નહીં કરે તો…
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આગામી થોડા દિવસોમાં ED મારી ધરપકડ કરશે. એક નજીકના મિત્રએ મને કહ્યું છે કે, જો હું ભાજપમાં નહીં જોડાઉં તો ED મારી ધરપકડ કરશે. ED થોડા દિવસોમાં મારા ઘરે દરોડા પાડવા જઈ રહી છે. આતિશીએ કહ્યું કે, બે મહિનામાં આમ આદમી પાર્ટીના ચાર નેતાઓને જેલમાં નાખવાનું ષડયંત્ર છે. મારા સિવાય સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા પણ તેમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આતિશીનું નામ પણ સામે આવ્યું હતું. સોમવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ દાવો કર્યો હતો કે, કેજરીવાલની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આરોપી વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો.
કેજરીવાલે આતિશીનું નામ લીધું
જાણકારી અનુસાર, જ્યારે EDએ દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટમાં આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બંને કોર્ટ રૂમમાં હાજર હતા. EDએ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના રિમાન્ડ દરમિયાન તપાસમાં સહકાર આપ્યો ન હતો. તે પ્રશ્નોના અસ્પષ્ટ જવાબો આપતા રહ્યા હતા. જ્યારે સીએમને તેમના નજીકના સહયોગી અને આ કેસના મુખ્ય આરોપી વિજય નાયર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, નાયર મને નહીં પણ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા. તેમની સાથેની મારી વાતચીતનો અવકાશ ખૂબ જ મર્યાદિત હતો.
દોઢ વર્ષ પહેલા પણ આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી તરીકે ઉદ્યોગપતિ વિજય નાયરનું નામ હતું. EDએ નાયરની સાથે દક્ષિણ લોબીના સભ્યો અને AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં જ્યારે વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, તેમણે સીએમને રિપોર્ટ કર્યો નથી અને આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. ઇડી દોઢ વર્ષ પછી આ મુદ્દો કેમ ઉઠાવી રહી છે, જ્યારે તેનું લેખિત નિવેદન છે. ભાજપે કહ્યું કે, દારૂની નીતિની સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે.