July 3, 2024

વેજલપુરના ફતેહવાડી ગેંગવોરમાં એક યુવકની હત્યા, આરોપીની શોધખોળ શરૂ

મિહિર સોની, અમદાવાદ: શહેરના ફતેહવાડી વિસ્તારમાં ગેંગવોરની ઘટના સામે આવી છે. દારૂ અને ડ્રગ્સના ધંધામાં તકરાર ચાલતી હતી. જેમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટના એવી છે કે ફતેહવાડીમાં રહેતો સદામહુસેન મોમેન નાઝ પાર્લર નજીક બેઠો હતો, ત્યારે મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન પઠાણ અને તેની ગેંગના માણસો હથિયારો લઈને આવી ગયા હતા અને જાહેરમાં સદામહુસેન પર હથિયારોથી હુમલો કરીને હત્યા કરી દીધી. આ ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. આ બંન્ને પક્ષ વચ્ચે દારૂ અને ડ્રગ્સના ધંધાને લઈને અદાવત ચાલતી હતી. જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક સદામહુસેન અને આરોપી મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન પઠાણ બન્નેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ દારૂ અને ડ્રગ્સનો ધંધો કરે છે. જેથી બન્ને વચ્ચે ધંધાની હરીફાઈ રહેતી હતી. આ હરીફાઈમાં અવાર નવાર ગેંગવોર ચાલતો હતો. જેનો બદલો લેવા આ હત્યા કરવામાં આવી.

મૃતક સદામહુસેન

વેજલપુર પોલીસે હત્યા કેસમાં આરોપી મુસ્તકિમ ઉર્ફે મુસ્કિન પઠાણ, અલ્લારખા ઉર્ફે ડેરિંગ કુરેશી, અરબાજ ઉર્ફે પોદી સૈયદ, સોહેલ ઉર્ફે બદા સૈયદ અને અફસાના કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફતેહવાડીમાં જાહેરમાં હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા છે. વેજલપુર પોલીસ અને ઝોન 7 ડીસીપી સ્કોડ ની જુદી જુદી ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી છે.