November 23, 2024

પરિવાર માટે 18 વર્ષથી ટાયર પંચરનો વ્યવસાય કરતી મહિલાની કહાણી

ભાવેશ ભોજક, પાટણ: કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી માણસ પરિશ્રમ કરે તો ધારે તેવા પરિણામો લાવી શકે છે. આ કહેવતને પાટણ તાલુકાના કુણઘેર ગામની પરિણીત મહિલાએ સાર્થક કરી છે. આ મહિલા શિક્ષિત તો નથી પરંતુ તેમની કામ કરવાની લગન અને પરિવાર પર આવેલ મુશ્કેલીનો નીડરતા પૂર્વક સામનો કરી પતિના નાના અને કઠોર પરિશ્રમના વ્યવસાયને સ્વીકારી કાળી મજૂરી કરી પરિવારના ભરણપોષણની જવાબદારી ઉપાડી લીધી છે અને આજે આ મહિલા ઘરકામ સાથે ટાયર પંચરનો વ્યવસ્ય કરી બાળકોને ભણાવી રહી છે અથાગ પરિશ્રમ થકી આજે આ મહિલા પરિવાર માટે ઢાલ રૂપ બનવા પામી છે.

આજના યુગમાં શિક્ષણ હોવું અનિવાર્ય બની જવા પામ્યું છે પરંતુ શિક્ષણ ના હોય તો કાંઈ ના કરી શકીએ તે વાત આજે આ મહિલાએ ખોટી સાબિત કરી છે. પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતા સુરેશભાઈ રાવળ જેવો ગામ નજીકથી પસાર થતા હાઇવે પર ટાયર પંચરનો વ્યવસાય કરી પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા ત્યારે સમય જતા પરિવાર પર એક આફત આવી પડી. જેમાં પરિવારનું ભરણપોષણ કરતા પરિવારના મોભી સુરેશભાઈ રાવળને હાથના ભાગે નશનું બ્લોકેજ આવતા મજૂરી ભર્યું કામ બંધ કરવાની નોબત આવી પડી હતી. તેમનો ટાયર પંચરનો વ્યવસાય હવે તેઓ કરી શકે તેમ ન હોઇ પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું, પરિવારમાં પતિ -પત્ની અને બે બાળકોના ભરણપોષણ કરવા સામે અનેક વિડંબણા સામે આવી પરંતુ તેમની પત્ની હંસાબેન આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ પરિવારના પડખે ઉભા રહી તેમનું ભરણ પોષણ કરવા મક્કમ બની ગયા હતા.
હંસાબેને તેમના આત્મવિશ્વાસ સાથે તેમના પતિ પાસેથી ટાયર પંચરનું કામ શીખવાનું શરૂ કર્યું. પોતે અશિક્ષિત હોવા છતા ટાયર પંચર કરવાની અલગ-અલગ ટેકનિક અંગે પતિ પાસેથી કુશળતા પ્રાપ્ત કરી હાથમાં ભારે ભરખમ ઓજારો સાથે વાહનોમાંથી ટાયર કાઢવા સહિતની કારીગીરી શીખી હતી. આજે આ મહિલા સમગ્ર પરિવારનું ભરણ પોષણ છેલ્લા 18 વર્ષથી કરી રહી છે.
આ વ્યવસાય થકી તેમના બે બાળકોને શિક્ષિત કર્યા સાથે પતિની સારવાર પણ કરાવી છે. આમ આ મહિલાએ કપરી પરિસ્થિતિમાં પણ પરિવાર માટે ઢાલ બની પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી પતિના વ્યવસાય સાથે જોડાઈ આજે પગભર બની છે. આજના યુગમાં મહિલાઓ પણ અથાગ પરિશ્રમ કરી પુરુષોના ખભેથી ખભો મિલાવી પોતાના બળે પ્રગતિ હાંસલ કરી રહી છે. જેના થકી હાલના સમયમાં સ્ત્રી સશક્તિકરણની મજબૂતાઈ જોવા મળી રહી છે.
કુણઘેર ગામે સુરેશભાઈ રાવળે ચામુંડા ટાયર પંચરની દુકાન હાઈવે રોડ ઉપર શરૂ કરી હચી. અને તેના થકી તેઓ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દુકાન શરૂ કર્યાના ચાર વર્ષ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમના હાથની નશ બ્લોક થતા પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેને લઈને તેઓ ચિંતિત બન્યા હતા. પતિની આવી ચિંતા જોઈને પત્નીએ આવા કપરા સમયમાં હિંમત આપી ટાયર પંચરનો વ્યવસાય અપનાવી પતિની ચિંતા દૂર કરી પરિવારના ગુજરાનનો તમામ ભાર મહિલાએ ઉપાડી લીધો હતો. હાલમાં પણ આ મહિલા આ વ્યવસાય દ્વારા સામાજિક પ્રસંગો તેમજ બાળકોને ભણાવવા સાથે પતિને મદદરૂપ બની રહી છે.
પતિ આકસ્મિક બીમારીથી દિવ્યાંગ બનતા અશિક્ષિત મહિલાએ પતિનો વ્યવસાય પોતાના ખભે ઊંચકી લઈ બાળકોના અભ્યાસ સાથે પરિવારની જવાબદારી નિભાવી નોકરી કે ધંધો માત્ર શિક્ષિત મહિલાઓ જ કરી શકે છે એ વાતને ખોટી સાબિત કરી છે અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અશિક્ષિત અને શ્રમજીવી મહિલાઓને આ મહિલાએ પ્રેરણા આપી છે.