October 27, 2024

અમેરિકામાં ફસાયો આણંદનો વિદ્યાર્થી, કુરિયરની ડિલિવરી કરવા જતા પોલીસે કરી ધરપકડ

યોગીન દરજી, આણંદ: વિદેશ ભણવા જતા વિદ્યાર્થી અને પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આણંદના સારસા ગામે રહેતા પ્રજાપતિ પરિવારનો દીકરો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો, જ્યાં અભ્યાસ સાથે તેણે કુરિયર બોયની નોકરી શરૂ કરી હતી, પરંતુ અજાણતા થયેલા ગેરકાયદેસર કામને કારણે ત્યાંની પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. છેલ્લા એક મહિનાથી પોલીસના ચુંગલમાં ફસાયેલા દીકરાને પરત લાવવા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા છે.

2022માં માસ્ટર્સ ઓફ સાઇન્સનો અભ્યાસ કરવા મૂળ સારસાનો જય પ્રજાપતિ અમેરિકા ગયો હતો. પરિવારે પોતાના યુવાન દીકરાના ઉજ્જવળ ભવિષય માટે પોતાની આખી જિંદગીની બચતમાંથી 40 લાખ જેટલા રૂપિયાના ખર્ચી વિદેશ મોકલી આપ્યો હતો. થોડા સમય સુધી જય પરિવાર સાથે સતત સંપર્કમાં રહેતો. કોલેજના સેમિસ્ટર-3 સુધી સરસ અભ્યાસ કર્યો અને કોલેજના ત્રીજા સેમિસ્ટરમાં ફેઇલ થઈ જતા કોલેજ બદલવા પરિવારને જણાવ્યું હતું, ત્યાર બાદ પરિવારની સંમતિ સાથે જય પ્રજાપતિએ અન્ય રાજ્યમાં એડમિશન લીધું અને અભ્યાસ પુનઃ શરૂ કર્યો હતો. આ સાથે જ તેને ત્યાં પિક અપ ડ્રોપ કરવા કુરિયર બોયની જોબ મળી. ખૂબ ઉત્સાહ સાથે અભ્યાસ સાથે જોબ કરવા પહોંચેલા જયને ક્યાં ખબર હતી કે તે કોઈ ષડયંત્રનો ભોગ બની જવાનો છે. તારીખ 1-ઓક્ટોબરના રોજ તે કુરિયર ડિલિવરી કરવા માટે ગયો હતો. જ્યાં પોલીસે તેને અટકાવી તપાસ કરતા બંધ કુરિયરમાંથી 45000 ડોલર મળી આવ્યા હતા, જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી હતી.

એક પાર્સલ પિક અપ કરી બીજુ પાર્સલ પિક અપ કરવા પોહચ્યો ત્યાં જ તે એકાએક ત્યાંની પોલીસ આવી અને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા જય પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે જે જગ્યાએ ઝડપાયો છે ત્યાં તે 60 હજાર ડોલરથી ભરેલું બેગ લેવા આવ્યો છે, ત્યારે જયે પોલીસને જણાવ્યું કે, તે પોતે પાર્સલ પિકઅપનું કામ કરે છે,અને તેની પાસે અન્ય પાર્સલ પણ પિક અપ કરેલું છે. તેમ કહીને પોલીસને બતાવતા તેમાંથી 45 હજાર ડોલર નીકળતા પોલીસે તેને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, બીજી બાજુ, જયના પરિવારજનોનું કહેવું છે કે, અમેરિકન સરકાર, પોલીસ કે એમ્બેસી દ્વારા જયના પરિવારને સંપર્ક કરવામાં આવ્યો નથી.

હાલ જયનો પરિવાર ભારત સરકાર પાસે મદદ માટે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે. તેમનો દીકરો પરત આવી જાય તે માટે આણંદના સાંસદ મિતેશ પટેલને રજુઆત કરી સરકારના વિદેશ મંત્રાલયમાં મદદ કરે અને તેમના દીકરાને પરત લાવવા અપીલ કરી રહયો છે. મહત્વની બાબત છે કે, ચરોતર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો અભ્યાસ અને નોકરી કરવા માટે વિદેશમાં જતા હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સા વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ચેતવણી રૂપ છે. વિદેશમાં જાઓ તેનો વાંધો નથી પરંતુ ત્યાં નોકરી કરતા પહેલા શું નોકરી કરી રહ્યા છો, તેની પણ ચકાસણી કરવી જરૂરી છે તે આ કિસ્સો સાબિત કરે છે.