June 30, 2024

બિહારમાં 12 કરોડ રૂપિયાનો પુલ ઉદ્ઘાટન પહેલા તૂટી ગયો

Bihar Bridge Collapsed: બિહારમાં ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અરરિયા જિલ્લાના સિક્તી પ્રાંતમાં બની હતી. આ પુલ બકરા નદી અને કુરસાકાતા વચ્ચે ડોમરા ડેમ પર કરોડોના ખર્ચે બનેલો પુલ અચાનક નદીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પહેલાના બ્રિજના એપ્રોચને કાપ્યા બાદ બનાવવામાં આવ્યો હતો. લોકોનો આરોપ છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી ઉદ્ઘાટન પહેલા પુલ તૂટી પડ્યો હતો. લોકોનું કહેવું છે કે તાજેતરમાં વિભાગ દ્વારા પુલના એપ્રોચ રોડને પુનઃસ્થાપિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તે પહેલા આ અકસ્માત થયો હતો.

સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિજય કુમાર મંડલ અને સાંસદ પ્રદીપ કુમાર સિંહે આ બ્રિજ બનાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. અગાઉ જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે પૂરના કારણે નદી કિનારો જતો રહ્યો હતો. ત્યાર બાદ 12 કરોડના ખર્ચે પુલને નદી કિનારે પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિભાગના લોકોએ ધ્યાન આપ્યું ન હતું અને કોન્ટ્રાક્ટરે યોગ્ય કામ કર્યું ન હતું. જેના કારણે મંગળવારે પુલ નદીમાં પડી ગયો હતો.

બકરા નદી પર પુલ બની રહ્યો હતો
આ પુલ બકરા નદી અને કુરસાકાતા વચ્ચે ડોમરા ડેમ પર બનાવવામાં આવી રહ્યો હતો. થોડા દિવસો પહેલા ધારાસભ્ય વિજય કુમાર મંડલ ગ્રામીણ બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરને સાથે લઈને પુલ જોવા ગયા હતા. ત્યારે પુર પહેલા પુલની બંને તરફ નદીના પટને મજબૂત કરવાની કામગીરી કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું, પરંતુ આવું કંઈ થયું નથી. ન તો કિનારો મજબુત થયો કે ન તો કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારી નિભાવી.