January 18, 2025

રાજકોટમાં એક કા ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા, રૂ. 300 કરોડથી વધુની છેતરપિંડીનું કૌભાંડ

Rajkot: રાજકોટમાં BZ ગ્રુપ જેવુ જ કૌભાંડ સામે આવ્યું છે. જેમા એક કા ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા હોવાની માહિતી મળી છે. ક્રિપ્ટો કરન્સીમાં 8000 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. રૂ.300 કરોડોથી વધુની છેતરપિંડીનું કૌભાંડ આચરવાની પોલીસને અરજી કરવામાં આવી છે. આ અરજી “બ્લોક ઓરા” નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં એક કા ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા હોવાની માહિતી મળી છે. ક્રિપ્ટો કરન્સીમાં 8000 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જેને લઈને કોઠારીયા વિસ્તારમાં રહેતા સાબુ- પાવડરના વેપારીએ અરજી કરી છે. આ સિવાય વેપારી મોહસીન મુલતાનીએ નામજોગ અરજી કરી છે. નોંધનીય છે અરજીકર્તાઓએ શહેર પોલીસ કમિશનર,DGP તેમજ ગૃહ મંત્રીને અરજી કરી છે.

આ સમગ્ર મામલે અરજદારને મુંબઈ સહારા હોટલમાં મિટિંગ આપી વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ટી બેક નામની કોઇન કરન્સીમાં રોકાણ કરી વળતરની લાલચ આપી હતી. રૂ.4.5 લાખનું રોકડ રોકાણ કરી દરરોજ 1% વળતરની લાલચ આપી હતી. તેમજ 400 દિવસમાં રૂ.12 લાખ 75 હજાર મળશે. પોતાનુ રોકાણ “બ્લોક ઓરા. કોમ” નામની વેબ સાઈટમાં જોઈ શકાશે તેવું જણાવ્યું હતું. પરંતુ જ્યારે નાણા વીડ્રોલ કરવાનું કહેતા આરોપીઓએ બહાના બનાવવાનું શરૂ કર્યું. વેપારી અંતે તપાસ કરતા આ પ્રકારની કોઈ કરન્સીનું લિસ્ટીંગ ન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. વેપારીએ બ્લોક ઓરાની વેબસાઈટમાં જોતા 8000 જેટલા લોકોએ રોકાણ કર્યું હતું. રાજકોટના 12 જેટલા રોકાણ કારોને ભેજાબાજોએ રૂ.70 લાખનો ચૂનો ચોપડયો. મોટાભાગના લોકો પાસે 2020 થી 2022 માં રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં પણ આરોપી ફિરોઝ મુલતાની – સ્થાપક અને નિતીન જગત્યાની – ભાગીદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

બ્લોક ઓરા કંપનીના લોકો વિરુદ્ધ અરજી
ફિરોઝ મુલતાની – સ્થાપક
નિતીન જગત્યાની – ભાગીદાર
અમિત મુલતાની – સૌરાષ્ટ્ર હેડ
અઝરુદ્દીન મુલતાની – માર્કેટિંગ હેડ
મકસુદ સૈયદ – ગુજરાત હેડ

આ પણ વાંચો: માત્ર 13 મિનિટ અને 13 કિલોમીટર… હૈદરાબાદ મેટ્રોની થઈ વાહવાહી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડ્યું ‘દિલ’