June 24, 2024

પેસેન્જર ગાડી ચલાવનારની દીકરીએ ટ્યુશન ક્લાસીસ વગર ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી નસીબ પ્રણામી નામની દીકરીએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસીસ વગર ધોરણ 10માં A1 ગ્રેડ મેળવતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે, જોકે હિંમતનગર-મોડાસા વચ્ચે પેસેન્જર ગાડી ફેરવી જીવન ગુજારનારા દીપકભાઈ પ્રણામીની દીકરીની ચર્ચા મહત્વની બની રહી છે.

સાબરકાંઠાના હિંમતનગરના પૃથ્વીનગરના ભાડાના મકાનમાં રહેતા પેસેન્જર ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનારા દીપકભાઈ પ્રણામીના દીકરી નસીબને આજે ધોરણ 10ની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય રીતે એ-વન ગ્રેડ મેળવવા માટે વિશેષ તૈયારી સહિત ટ્યુશન અને ક્લાસીસની જરૂરિયાત રહેતી હોય છે, જોકે નસીબ દીપકભાઈ પ્રણામી માટે 15 બાય 15ના ઘરમાં રહેવાની સાથે સાથે કોઈપણ પ્રકારની વિશેષ સુખ કે સવલત ન હોવા છતાં આજે નસીબનું જીવન પલટાયુ છે. નસીબ દીપકકુમાર પ્રણામીને 99.07 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો છે, તેમજ કોઈપણ પ્રકારની વિશેષ વિના શ્રેષ્ઠ પરિણામ મેળવતા પરિવારમાં પણ ખુશી આપી છે. આ અંગે નસીબ એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની વિશેષ સુખ-સગવડ વિના સતત પ્રયત્નો બાદના પગલે ધોરણ 10માં ગ્રેડ A1નું પરિણામ મેળવ્યું છે, સાથોસાથ આઇપીએસ બનવાના બાળપણના સ્વપ્નને સાર્થક કરવા માટે તમામનો સહયોગ મળે તેવી અપેક્ષા છે.

સામાન્ય રીતે આજના યુગે પોતાના સંતાનો માટે દરેક માત પિતા વિશેષ સુખ-સગવડ આપી ભણાવવાનો પ્રયાસ કરતા હોય છે, તો બીજી બાજુ સામાન્ય પરિવારો માટે આજે પણ સંતાનોના અભ્યાસ માટે વિશેષ પ્રયાસ થઈ શકતો નથી. સાબરકાંઠાના હિંમતનગરના દીપકભાઈ પ્રણામી હિંમતનગર મોડાસા વચ્ચે પેસેન્જર ઇકો ગાડી ચલાવે છે, દીપકભાઇ દરરોજ પેસેન્જર ઇકો ગાડી ચલાવતા હોવાના પગલે તેમની આજીવિકા ચાલે છે, જોકે પોતાની દીકરી ધોરણ 10 માં હોવા છતાં તેના માટે ટ્યુશન કે ક્લાસીસની સગવડ કરી શક્યા ન હતા, નસીબ પ્રણામીએ ધોરણ 10ના અભ્યાસક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની સુખ-સુવિધા કે મોજ-મજા માટે સમય ન આપતા માત્ર અભ્યાસ માટે જ સમય ફાળવ્યો હતો. આજે નસીબે સમગ્ર પરિવારને વિશેષ ગૌરવ અપાવી છે જેના પગલે તેના પિતા પણ તેને અભિનંદન આપી રહ્યા છે.

જોકે, એક બાજુ ઊંચા પરિણામો મેળવવા માટે વિશેષ ટ્યુશન ક્લાસીસ તેમજ સુખ-સુવિધા હોવાના દાવાઓ સાથે વિદ્યાના ધામો માત્ર વિદ્યાનો વેપાર કરી રહ્યાં છે, ત્યારે સામાન્ય પરિવારની દીકરીએ આજે મન હોય તો માળવે જવાય તે કહેવત સાર્થક કરી સામાન્ય પરિવાર માટે પણ દિશા સૂચક પરિણામ મેળવી છે જે આગામી સમયમાં અન્ય માટે પણ મહત્વનું બની રહે તો નવાઈ નહીં