સુરતના ઉત્રાણા વિસ્તારમાં માતાએ પોતાના દીકરાને ઝેર પીવડાવીને પોતે પણ આપઘાત કર્યો
અમિત રૂપાપરા, સુરત: સુરતના ઉત્રાણ વિસ્તારમાં માતાએ પોતાના દીકરાને ઝેર પીવડાવીને પોતે પણ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઉત્રાણ વિસ્તારમાં હીરા દલાલની પત્નીએ માતા અને બહેન સાથે વિડીયો કોલ કર્યા બાદ પોતે અને તેના દીકરાને ઝેર પીવડાવી દીધી હતી ત્યારબાદ બંનેનું મોત નિપજયું છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા મૃતકના સાસુ-સસરા અને પતિનો મોબાઇલ કબજે લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં રવિ ધામત ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે અને પોતે હીરા દલાલીના કામ સાથે સંકળાયેલા છે. રવિ ધામતની પત્નીએ અગમ્ય કારણોસર પોતાના ચાર વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ દવા આપીને આપઘાત કર્યો હતો. રવિ ધામતની પત્ની પાયલની ઉંમર 26 વર્ષની હતી અને મંગળવારે બપોરે પાયલ તેની દેરાણીની તબિયત સારી ન હોવાથી પોતાના ઘરેથી પરત આવી હતી અને ત્યારબાદ પાયલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના ચાર વર્ષના દીકરા માહિરને પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ આ પાવડર પીને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ નોરતે પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટસ્થાપન કરાયું
જો કે આ પાઉડર પીધા બાદ પાયલે પોતાના પતિ રવિને ફોન કરીને જણાવ્યું હતું કે, તેને ઉલટી થઈ રહી છે. પત્નીની આ વાત સાંભળી રવિ તાત્કાલિક ઘરે આવ્યો હતો અને પાયલ અને તેના દીકરા માહીરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો. જ્યા સારવાર દરમિયાન પાયલ અને તેના દીકરા માહિરનું મોત નીપજ્યું હતું.
પાયલ અને તેના દીકરાના મોત બાદ હોસ્પિટલ દ્વારા આ બાબતે પોલીસને માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને ઉત્રાણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે હીરા દલાલ રવિ અને પાયલના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. તો બીજી તરફ આ ઘટનાનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પાયલ રવિ અને રવિના માતા-પિતાના મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માતા અને બહેન સાથે પાયલે પહેલા વાત કરી હતી અને ત્યારબાદ પોતે અનાજમાં નાખવાની ટીકડીનો પાવડર કરી પોતે પણ પી લીધી હતી અને બાળકને પણ આ પાવડર પીવડાવી દીધો હતો. પાયલે વીડિયો કોલમાં આપઘાત પહેલા તેના માતા અને બહેન સાથે વાત કરી હતી. તે સમયે નવરાત્રિ માટે માહિર માટે કપડા લીધા હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.