January 14, 2025

Gujarat University ખાતે આજે EC અને BOMની બેઠક મળી

આશુતોષ  ઉપાધ્યાય, અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં આજે EC અને BOMની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર મુકેશ ખટીક વિરુદ્ધ થયેલી જાતીય સતામણી અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદને લઈને તપાસ ચાલી રહી હતી જેનો રિપોર્ટ આવતાં જ ટર્મિનેટ કરવાનો નિર્ણય કરાયો છે. બીજી બાજુ, એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કો ઓર્ડીનેટર અને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયાએ ખાનગી એજન્સી સાથે મળી 17 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવતા 10 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.

સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસર વિભાગના વડા વિરુદ્ધ જ માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં પ્રમોશન, વાહન ભથ્થું અને અભ્યાસ અટકાવી રાખ્યાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાતીય સતામણી મામલે મહિલા ફરિયાદ કરી હતી. મહિલા પ્રોફેસરે યુનિર્વિસટીમાં ગત સપ્ટેમ્બરમાં ફરિયાદ કરી કરી કે પ્રમોશન મેળવવા માટે અરજી કરી હતી, જેમાં મુકેશ ખટીક સહી કરતા નહોતા. મહિલા પ્રોફેસરને સરકાર તરફથી ટ્રાવેલ્સ એલાઉન્સ મળે છે, જે મુકેશ ખટીકે અટકાવી રાખ્યું હતું. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા WDCને તપાસ સોંપવામાં આવી હતી. WDC દ્વારા તપાસ કમિટી બનાવવા સૂચન કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિવૃત્ત જજની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. તપાસ કમિટી દ્વારા 6 મહિના તપાસ કરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. નિવૃત્ત જજની કમિટી દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં કસૂરવાર જાણતા તેને બરતરફ કરવામાં આવ્યા છે.

એનિમેશન ડિપાર્ટમેન્ટ નાં પૂર્વ કોર્ડીનેટરને શો કોઝ નોટિસ અપાઈ
એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોર્ડીનેટર અને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા પણ ખાનગી એજન્સી સાથે મળીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે BOM કૌશિક જૈનએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં 17 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા કમલજી લખતરિયાને 10 દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસનો જવાબ આવ્યા બાદ નિર્ણય કરવામાં આવશે.