December 15, 2024

સાધુના વેશમાં લોકોનું વશીકરણ કરી લૂંટતો મદારી ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: જો તમારા ઘરે નાગાબાવા બનીને કોઇ આવતું હોય તો થઈ જજો સાવધાન કારણ કે, આવા જ એક ઠગની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે. જે ઢોંગી નાગાબાવાનો સ્વાંગ રચી લોકો સાથે છેતરપીંડી આચરતો હતો. આ શખ્સ નાગાબાવાનો ઢોંગ રચી લોકોને હિપ્નોટાઈઝ કરતો અને ત્યારબાદ લાખોની કિંમતના સોનાના ઘરેણાં અથવા રોકડ રકમ પડાવી ફરાર થઇ જતો હતો. આ પ્રકારનો ખેલ કરનાર મુખ્ય મદારીને જહાંગીરપુરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજથી કાર સુધી પહોંચી અને મહેસાણાના દેહગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી પાડ્યો છે.

સુરત શહેરમાં હાલમાં નાગા સાધુ બનીને લોકોને લૂંટવાની ઘટના બની રહી છે.જે ઘટનામાં જહાંગીરપુરા પોલીસે મુખ્ય આરોપીને મહેસાણાના દેહગામથી પકડી પાડયો છે. જહાંગીરપુરામાં છેલ્લા ઘણાં સમયથી નાગાબાવા બનીને આવતાં ઠગ દ્વારા લોકો પાસેથી સોનું, રોકડા લઈને નાસી જતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. જેની તપાસ કરતા જહાંગીરપુરા પોલીસે દેહગામના વનરાજ મદારીની ધરપકડ કરી છે. આખા પ્રકરણમાં દેહગામમાં રહેતી મદારી કોમ માથાભારે મનાય છે. તેમની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી છે. છેલ્લા ત્રણેક મહિનામાં એક કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી છે. આરોપી મદારીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સડીઝ કે બીએમડબલ્યુ ગાડીમાં બેસીને સુરત આવતો હતો અને મંદિર પાસે વૃદ્ધ અથવા આધેડવયની વ્યક્તિઓની ફિરાકમાં રહેતો હતો. મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઉભા હોય તેમને મંદિરના સરનામા પુછતો હતો, ત્યારબાદ મદારી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઈઝ કરી લેતો હતો. જ્યાં તેમની પાસેથી દાગીના ઉતરાવી ખિસ્સામાંથી રોકડા કઢાવી લેતો હતો. આ ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની જે તે ભોગ બનનારને ખબર પડતી હતી. જહાંગીરપુરામાં જ અત્યાર સુધી 7થી 8 લાખની ઠગાઈ થયા હોવાનું હમણાં સુધીની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: પ્રથમ ચરણના 16 ટકા ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, 42 સીટો પર રેડ એલર્ટ

જહાંગીરપુરા પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલો મદારી લક્ઝુરિયસ કારમાંથી ઉતરી, શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી, સોનું કાઢી આંજી દેતો હતો. લક્ઝુરિયસ કારમાં વનરાજ મદારી ઉતરીને એકલ દોકલ દેખાતા વૃદ્ધ કે આધેડને પોતે નાગો બાવો છે તેવું જણાવીને ધાર્મિક વાતો કરતો હતો. બાદમાં હવામાંથી ભસ્મ ઉડાવવી, સોનાની લગડી કે પૈસા કાઢવા જેવા જાદુ કરીને સામેવાળાને સ્તબ્ધ કરી દેતો હતો. જે બાદમાં સોનું કે કિંમતી વસ્તુ કઢાવી લેતો હતો. આરોપી વલસાડ, નવસારી, સુરતના મંદિરોને નિશાન બનાવતો હતો. જ્યાં ભરૂચ, વડોદરાથી દેહગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે લક્ઝુરીયસ કારનો CCTVના આધારે પીછો કર્યો અને કાર પરથી કપડું હટાવ્યું અને આરોપી પકડાયો હતો. જહાંગીરપુરા પોલીસે લક્ઝુરીયસ કાર પર ઢાંકેલુ કપડું ભરૂચ પાસે ખોલતા આરોપી પકડાયો હતો. જહાંગીરપુરા પોલીસે સીસીટીવીના આધારે મદારીનો પીછો કર્યો હતો. પોલીસે ભરૂચ સુધીના ફૂટેજ ચેક કર્યા હતા. જ્યાં પોલીસ તેની કારના નંબરના આધારે ભરૂચ સુધી ગઈ, પછી એક લક્ઝુરીયસ કાર પર ઢાંકેલુ કપડું હટાવતા આરોપીને શોધી કાઢ્યો હતો.

આરોપીઓ દેહગામમાં લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે અને હજી બે આરોપી વોન્ટેડ છે. દેહગામમાં રહેતી મદારી કોમ મેલીવિદ્યા જાણે છે. આ વિધાનો ઉપયોગ કરીને તેઓ ઠગાઈ કરે છે. પોલીસ સામે પણ ઠગે હવામાંથી નોટ અને સોનાની ચેઈન કાઢી હતી. પોલીસ પણ આ જોઈ ચોંકી ગઈ હતી.જ્યાં જહાંગીરપુરા પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં ઠગાઈનો આંકડો વધવાની શક્યતાઓ પણ રહેલી છે.