May 21, 2024

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ સંસ્કારની ઝૂંબેશ શરૂ કરવામાં આવી

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા ટ્રાફિક પોલીસનું હેલ્મેટ સંસ્કારનુ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસે 7 હજાર વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષાનું વચન લીધું હતું.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બાળકોની સુરક્ષા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. પોલીસ હવે અકસ્માતથી રક્ષણ આપવા બાળકોને હેલ્મેટ વિતરણ શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ નહીં પહેરનાર માતા પિતાને પણ જાગૃત કરશે. ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે પરંતુ તેમના માતા પિતા ટ્રાફિકના નિયમને લઈને બેદરકાર જોવા મળી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો: ઇન્સટન્ટ લોનના નામે 5 લોકો સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરમાં હેલ્મેટ નહીં પહેરવાથી અકસ્માતમાં મુત્યુનો આંકડો વધે છે. જેથી પોલીસ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરે છે, પરંતુ તેમ છતાં વાહન ચાલકોમાં બેદરકારી જોવા મળે છે. જેથી હવે ટ્રાફિક પોલીસે બાળકોને હેલ્મેટથી સલામત કરીને તેમના પરિવારને જાગૃત કરવાનું ઝુંબેશ શરૂ કર્યું છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 7 હજાર હેલ્મેટ બાળકોને વિતરણ કર્યા છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલી એક સ્કૂલના વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરાવીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે. મહત્વનું છે અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલમાં બે વિધાર્થીઓ હેલ્મેટ વગર વાહન લઈને નીકળ્યા હતા જેમને અકસ્માત નડ્યો હતો જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે વધુ એક કિસ્સામાં એક બાળક પોતાના પિતાની પાછળ બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે બમ્પ આવતા બાળક નીચે પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

બાળકોની સલામતી માટે ટ્રાફિક પોલીસે જુદી જુદી GIDC અને કંપનીઓના યોગદાનથી હેલ્મેટ મેળવીને બાળકોને વિતરણ કર્યા હતા. મહત્વનું છે કે બાળકો અને તેમના પરિવારના સભ્યો ટ્રાફિકના નિયમનને લઈને જાગૃતતા થાય અને હેલ્મેટ સંસ્કારના ઝુંબેશને સંસ્કાર સમજીને સ્વીકારે તેવા ઉદ્દેશથી ટ્રાફિક પોલીસે અભિયાન શરૂ કર્યું છે.