સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય કળશ યાત્રા યોજાઈ

અશ્વિન મકવાણા, બોટાદ: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય કાળશ યાત્રા નીકળી હતી. નારાયણ કુંડથી 1008 કળશોમાં જળ ભરી વાજતે-ગાજતે કળશ યાત્રા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી.

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે ભવ્ય કળશ યાત્રા નીકળી હતી. જેમાં 1008 જેટલી મહિલાઓ જળ કળશ માથાપર ધારણ કરી નારાયણકુંડથી દાદાના દરબાર સુધી યોજાયેલ કળશ યાત્રામાં જોડાઇ હતી.

વાંચતે-ગાજતે નીકળેલી આ કળથયાત્રામાં ચાર ગજરાજ, સસુશોભિત વાહનો સુંદર મજાના ફ્લોટ્સ,નૃત્ય રાસ મંડળીઓ, કચ્છી મહિલા બેન્ડ, ટેડિબિયર, આફ્રિકન સીદી ડાન્સ, ફ્લાઈંગ હનુમાને આકર્ષણ જમાવ્યું હતું. ઠાકોરજી રથમાં બીરાજમાન થઈ 251 મહિલા-પુરુષો માથે સાફાબાંધી યાત્રામાં જોડાયા હતા, 108 બાળકો દાદાના વિજય ધ્વજને લહેરાવી છે. 251 કિલો પુષ્પ વર્ષા સાથે ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી.

હનુમાન જયંતિ નિમિત્તે દેશ વિદેશથી હજારો હરિભક્તો દાદાના દર્શન અર્થે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા છે. આ કળશયાત્રામાં ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દાદાના દર્શનાર્થીઓ ભાવ વિભોર બન્યા હતા.