સ્યુસાઇડ નોટ…ડાયરી…મહિલા ડૉક્ટરના મોત પરથી ઉઠશે પડદો! પીઆઈની થશે ધરપકડ
મિહિર સોની – અમદાવાદ
અમદાવાદ:
રાજ્યમાં અવારનવાર આત્મહત્યાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાંચના સંકુલમાં મહિલા ડોકટરની આત્મહત્યા મામલે પીઆઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. મહિલા ડોક્ટરની સ્યુસાઇડ નોટના આધારે મૃતકના બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્યુસાઇડ નોટમાં મહિલાએ પોતાના મોત માટે પીઆઇ બી.કે. ખાચરને જવાબદાર ગણાવ્યા હતા. જેથી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર 6 માર્ચના રોજ ડોકટર વૈશાલી જોશીએ અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં પોતાને જ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમા તેણે આર્થિક ગુના નિવારણ શાખા પીઆઇ બી.કે. ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે-સાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી. જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબધનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. વૈશાલી પાસેથી જે સ્યુસાઇડ નોટ મળી હતી, તેમાં ઉલ્લેખ કરાયો હતો. કે પીઆઇ ખાચરે પ્રેમ સંબંધ તોડી નાખતા મહિલા ડિપ્રેશનમાં જતી રહી હતી અને તે જ તેની મોતનું કારણ બન્યું છે.
વધુમાં ગાયકવાડ હવેલી પોલીસે સ્યુસાઇડ નોટ અને અન્ય પુરાવાને આધારે આ ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે 5 વર્ષ પહેલા પીઆઈ બી.કે. ખાચર અને ડૉ વૈશાલી જોષીના ઈન્સ્ટાગ્રામ માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંનેને નંબરની આપલે થઈ હતી. બાદમા અવારનવાર મળતા પણ હતા. જોકે પીઆઈ બી કે ખાચરે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ તોડી નખ્યા હતા. જેથી મહિલા આત્મહત્યા કરતા ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પીઆઈ ને તપાસ દરમિયાન નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે.
ડોક્ટર યુવતીના મોતની તપાસ દરમિયાન ગાયકવાડ હવેલી પોલીસે 22 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં મૃતકના રૂમમેટ યુવતીએ કબૂલ્યું છે કે પીઆઇ અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધો હતા અને તેઓ રૂબરૂ મળતા પણ હતા. જોકે કેટલાક સમયથી તેમના વચ્ચે વિખવાદ ચાલતો હતો. જેથી પોલીસે હવે પીઆઇ બી કે ખાચરની ધરપકડ માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.