September 21, 2024

સોમનાથ-કોડીનાર ફોરટેક હાઈવે પર ચક્કાજામ, કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાનું મોરડીયા ગામ જે સોમનાથ ભાવનગર હાઈવે પર આવેલું છે અને અહીં ફોરટેક હાઈવે નિર્માણ પામ્યો છે. આ ગામ રોડની બંને સાઈડમાં અલગ-અલગ ભાગમાં વહેચાયેલું છે. હાઈવેનો અહીં વિશાળ બ્રિજ નિર્માણ પામ્યો છે. જોકે ગામ બંને સાઈડ અવરજવર માટે ગામના બંન્ને છેડે બે અન્ડર પાસ બનાવમાં આવ્યા છે. જેને લઈ ગામ લોકોની માંગ હતી કે મધ્ય ભાગમાં અન્ડર પાસ બનાવાય. જોકે ગામ લોકોની માગ ન સંતોષાતા લાંબા સમયથી અહીં વિરોધ થઈ રહ્યો છે.

જે બાદ આજે ગામ લોકોની સાથે કોંગ્રેસના હીરા જોટવા પહોંચ્યા હતા. હીરા જોટવાના નેતૃત્વ મા આજે મોરડીયા ગામ નજીક હાઈવેના બ્રિજનું ચાલી રહેલા કામને અટકાવવા માંગ કરાઈ હતી અને હાઈવે પર ચક્કાજામ કરતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

આ મામલે હીરા જોટવાનું કહેવું હતું કે આજથી આંદોલનની શરૂઆત થઈ છે આ ટ્રેલર છે પિક્ચર આગળના દિવસોમાં જોવા મળશે, કારણ કે જયાં સુધી માગ ન સંતોષાય ત્યાં સુધી અમે રોડનું હાઈવેનું કામ અટકાવતા રહીશું.

તમને જણાવી દઈએ કે, કોડીનાર-સોમનાથ વચ્ચેના હાઈવે પર મોરડીયા નજીક ચક્કાજામ થતા એક તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે અહીં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સુત્રાપાડા પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત ગામના અનેક યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને પોલિસે ફરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.