December 22, 2024

ભાદરવી પૂનમના મેળાનો ત્રીજો દિવસ, લાખો લોકોએ મા અંબાના દર્શન કર્યા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ભાદરવી પૂનમના મહામેળામાં જાણે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અંબાજી જતા તમામ માર્ગો પર પદયાત્રિકોનો જયઘોષ જોવા મળી રહ્યો છે. આ સાથે પદયાત્રિકો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

ઘણાં પદયાત્રિકો દૂર દૂરથી રથ સાથે આવી રહ્યા છે. માઇભક્તો નાચતાં-ગાતાં માતાજીનાં દરબારમાં પહોંચી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે દાંતા-અંબાજી માર્ગ પર ગરબાની રમઝટ સાથે ‘જય અંબે બોલ મારી અંબે’ના નાદ સાથે માઇભક્તોમાં અંબાના ચરણોમાં શિશ નમાવવા જઈ રહ્યા છે.

ચહેરા પર થાકનું નિશાન નથી. માત્ર હસતા ચહેરા સાથે માઇભક્તો પદયાત્રા કરી રહ્યા છે. જો કે, સેવા અને સગવડ કેમ્પ અને તંત્રથી આ માઇભક્તોને મળી રહે છે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાના ત્રીજા દિવસે 6 લાખ માઇભક્તોએ માતાજીનાં દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે.