અહીં શિવજી બ્રહ્મહત્યાના પાપથી થયા મુક્ત, રુદ્રકુંડમાં સ્નાન કરવાથી મટે છે ચર્મ રોગ
વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાના અઠ્યાવીસમા દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે નર્મદા કિનારે. ભરૂચના અંકલેશ્વરમાં આવેલા અનોખા અતિપૌરાણિક શિવાલય સિદ્ધનાથ મહાદેવનો મહિમા અનેરો છે. એવું કહેવાય છે કે, આ જગ્યાએ ભગવાન શિવ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા. જાણો તેનો ઇતિહાસ અને અવનવી માહિતી…
શું છે પૌરાણિક કથા?
વાયુપુરાણના રેવાખંડના 168 અનુસાર, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે સર્વશ્રેષ્ઠ કોણ એ બાબતે વિવાદ ચાલતો હતો. ત્યારે શિવજી પ્રગટ થયા. તેમણે શિવલિંગનું રૂપ ધારણ કર્યું અને કીધું કે આ શિવલિંગનો છેડો જે કોઈ શોધી લાવશે એ સૌથી શ્રેષ્ઠ ગણાશે. ત્યારબાદ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બંને વિરુદ્ધ દિશામાં છેડો શોધવા માટે નીકળ્યા હતા.
બંને મળ્યા ત્યારે વિષ્ણુએ જણાવ્યુ હતુ કે, મને શિવલિંગનો છેડો નથી મળ્યો. જ્યારે બ્રહ્માજી ખોટું બોલ્યા કે, મને શિવલિંગનો છેડો મળી ગયો છે. આ સાંભળીને કેતકીના વૃક્ષે પણ બ્રહ્માજીના પક્ષમાં ખોટી સાક્ષી પુરાવી હતી. આ સાંભળીને શિવજી મૂળ સ્વરૂપમાં આવી ક્રોધે ભરાયાં અને બ્રહ્માજીનું મસ્તક કાપી નાંખ્યું હતું. આ સાથે કેતકીના વૃક્ષ અને ફૂલને શાપ આપ્યો હતો.
ત્યારબાદ ભગવાન શિવ બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા. તેઓ ફરતા ફરતા મા નર્મદાના તટ પર આવેલા સજોદ ગામે પાસે આવીને થંભી ગયા. ત્યાં હજારો દેવ, ગાંધર્વો અને સિદ્ધોની હાજરીમાં એક કુંડની સ્થાપના કરી હતી. એવી માન્યતા છે કે, નર્મદા સહિત અનેક પવિત્ર નદીને આહ્વાન કરીને આ કુંડ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવજીનું લિંગ સ્થાપી ત્યાં પૂજા કરવામાં આવી હતી. અંતે ભગવાન શિવે અહીં ધૂર્જટીની સ્થાપના કરી અને આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થયા હતા.
રુદ્રે કુંડમાં સ્નાન કરવાથી મટે છે ચર્મ રોગ
એવી માન્યતા છે કે, જો કોઈ અહીં સ્નાન કરી રુદ્રેશ્વર મહાદેવનું પૂજન કરે છે તે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. દેવનિર્મિત દેખાત રુદ્રકુંડ નામે જાણીતો છે. તેમાં સ્નાન કરવાથી ચામડીના રોગ પણ દૂર થતો હોવાની માન્યતા છે. રુદ્રકુંડની બાજુમાં જ સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે, જે વીતેલા પ્રાચીનકાળની યાદ અપાવે છે. તો કુંડની બાજુમાં આજે પણ રુદ્રેશ્વર મહાદેવનું વિશાળ શિવલિંગ આવેલું છે.
મહંમદ ગઝનીએ મંદિર પર કર્યો હતો હુમલો
વર્ષો પહેલાં મુઘલ વંશજ મહંમદ ગઝનીએ આ ગામમાં હુમલો કરીને ગામ અને મંદિરને લૂંટીને શિવજીની સવારી નંદી અને શિવલિંગ ઉપર તલવારના ઘા ઝીકીને ખંડિત કર્યું હતું. આ ઘા શિવલિંગ અને નંદી પર આજે પણ જોવા મળે છે. જો કે, 250 વર્ષ પૂર્વે ગ્રામજનો દ્વારા આ રુદ્રકુંડના ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી સિદ્ધનાથ મહાદેવજીની શિવલિંગ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં આજે પણ ખંડિત શિવલિંગ સહિત ભક્તો નવા શિવલિંગની પૂજા કરી રહ્યા છે.
કેવી રીતે પહોંચી શકાય?
અંકલેશ્વરની પશ્ચિમે 10 કિમીના અંતરે આવેલા સજોદ ગામના સિદ્ધનાથ મહાદેવનું અનેરું મહત્ત્વ છે. ગુજરાતના દરેક શહેરથી અંકલેશ્વર જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા મળી રહે છે. આ ઉપરાંત રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી અંકલેશ્વર જઈ શકાય છે. અંકલેશ્વરથી સિદ્ધનાથ મહાદેવના મંદિરે જવા સજોદ ગામ સુધી રિક્ષા-ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે.