October 13, 2024

ગુજરાતના 108 જળાશયો હાઈ એલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં 85% થી વધુનો જળસંગ્રહ

ગાંધીનગર: ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે. જ્યાંથી પાણી ઓસર્યા છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે. આવામાં રાજ્યના કેટલાક જળાશયો સંપૂર્ણ રીતે ભરાયા છે તો કેટલાક જળાશયો હજુ પણ 25% થી ઓછા ભરાયા છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યના 206 માંથી 108 જળાશયો હાઈ એલર્ટ પર છે. ત્યાં જ 20 ડેમ 50 થી 70% ભરાતા એલર્ટ અપાયું છે તો રાજ્યના 22 ડેમ 25 થી 50% વચ્ચે ભરાયા છે. રાજ્યના 12 ડેમ 25% થી ઓછા ભરાયા છે અને વાત સરદાર સરોવર ડેમની કરીએ તો તે 85% થી વધુ જળસંગ્રહ થયો છે.

આ પણ વાંચો: અહીં શિવજી બ્રહ્મહત્યાના પાપથી થયા મુક્ત, રુદ્રકુંડમાં સ્નાન કરવાથી મટે છે ચર્મ રોગ

રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ‘કચ્છ , દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લામાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.’ આઝે 1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સમુદ્રી બંદરો ઉપર LC 3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. ત્યારે હાલના આંકડા પ્રમાણે સામાન્ય કરતા અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આજે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.