January 14, 2025

‘મસિયા મહાદેવ’ મહાદેવની માનતા રાખવાથી મટે છે મસો, 500 વર્ષ જૂનું શિવાલય

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો બાવીસમો દિવસ છે. આજે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડથી ત્રણ કિમીના અંતરે આવેલા બોરિયાવી ગામે. અહીં બિરાજમાન છે ‘મસિયા મહાદેવ’. આવો જાણીએ આ શિવાલયનો ઇતિહાસ અને અવનવી વાતો…

મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે બોરિયાવી ગામ અને અહીં બિરાજમાન છે મહાદેવનું પ્રાચિન શિવાલય ‘મસિયા મહાદેવ’. મહાદેવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે પ્રગટ્યા હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત શિવાલય 500 વર્ષ જૂનું હોવાની પણ માન્યતા છે. મંદિરમાં મીઠું, મરી, ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. મહાદેવની બાધા રાખવાથી મસો મટતો હોવાની આસ્થા છે.

શું છે પૌરાણિક કથા?
લોકવાયકા પ્રમાણે, ઘણાં વર્ષો પહેલાં ગામની પશ્ચિમે 6 કિલમીટર દૂર આવેલા ખારા ગામની ટેકરીના મહંતની ઘોડીને મસો થયો હતો. કંઈ કેટલાય ઉપચાર કર્યા પરંતુ મસો મટતો નહોતો, તેથી મહંત ચિંતિત રહેતા હતા. આ દરમિયાન એક દિવસ રાતે મહંતને સપનું આવ્યું કે, બોરિયાવી ગામની ઉત્તર બાજુએ વાયવ્ય ખૂણામાં એક આંબલીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે કંથેરનું ઝાડું અને ઉકરડો છે. તે જગ્યા સાફ કરાવી મીઠાની ગુણ ચડાવજો. તેનાથી ઘોડીને મસો મટી જશે. મહંતે દૃઢ વિશ્વાસ અને આસ્થા સાથે સ્વપ્ન પ્રમાણે કર્યું.

તે દરમિયાન ઝાડું ખોદતી વખતે મહંતને કોદાળી વાગતાં લોહીની ધારા નીકળી હતી અને સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી લોકો ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા. ત્યાંથી આ મહાદેવની ખ્યાતિ ગામેગામ વધતી ગઈ હતી. ત્યારબાદ લોકો મસા માટેની બાધા-માનતા રાખતા હતા અને લોકોની માનતા પૂરી થવા લાગી હતી.

શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. દર સોમવારે અહીં મેળો ભરાય છે તેમજ શ્રાવણ અમાસે અહીં ગામમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારો ભાવિકભક્તો આજુબાજુનાં ગામોમાંથી ઊમટી પડે છે. આ ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફરે છે. ગામનાં સેવાભાવી લોકો દ્વારા લીંબુ શરબતના કેમ્પ કરી સેવા કરતા હોય છે. મહાદેવની ટેક રાખી ગામના વતનીએ મોટું શિવાલય બનાવડાવ્યું છે, તેમજ આ મંદિર સંકુલમાં સત્સંગ હોલ, કોમ્યુનિટી હોલ, ધર્મશાળા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

કેવી રીતે પહોંચી શકાય?
આ શિવાલયની મુલાકાત લેવા માટે મહેસાણાથી સરળતા રહે છે. ગુજરાતના દરેક મોટા શહેરથી મહેસાણા પહોંચવા માટે ખાનગી બસ કે સરકારી બસનું સુવિધા મળી રહે છે. આ ઉપરાંત રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેર સાથે મહેસાણા જોડાયેલું છે. મહેસાણાથી અહીં પહોંચવા માટે સરળતાથી રિક્ષા કે ટેક્સી મળી રહે છે.