January 3, 2025

લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદી માહોલ, ખેડૂતો ખુશખુશાલ બન્યાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ચોમાસાની શરૂઆતમાં વાવણીલાયક વરસાદ થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજએ લાંબો વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે વાવણીલાયક વરસાદને લઈને ખેડૂતોએ ખેતરોમાં મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરી દીધું હતું અને વાવેતરમાંથી સારી એવી આવક મેળવવાના સપના સેવી લીધા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન થતા ખેડૂતોના ખેતરોમાં પાક સૂકાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગયો હતો. તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેને પગલે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના વડગામ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ થયો હતો.

આ પણ વાંચોઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, બગસરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ

વડગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને જાહેર માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. અનેક જગ્યાએ જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ બીજી તરફ ખેડૂતોની આશા મુજબ ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે છે અને તેને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.