November 25, 2024

એલજી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે મગજમારી કરવી બે શખ્સોને ભારે પડ્યું

મિહિર સોની, અમદાવાદ: એક તરફ કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર સાથ દુષ્કર્મ અને હત્યા મામલે જ્યાં દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી બાજુ, અમદાવાદમાં આવેલ એલજી હોસ્પિટલમાં ડૉક્ટર સાથે મારામારી કરવાની વાત સામે આવી છે. જોકે, ડોક્ટર્સ દ્વારા પોલીસ ફરિયાદ કરતાં આરોપીઓને કાયદાનું ભાન થયું હતું.

અમદાવાદની એલજી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર સાથે ઝપાઝપી કરવાનું દર્દીના સગાને ભારે પડ્યું છે. 18 ઓગસ્ટે મોડી રાત્રે આરોપીઓ તેના પિતાને લઈને એલજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તે દરમિયાન મહિલા ડોક્ટર દ્વારા કેટલાક સવાલો પૂછ્યા હતા અને સારવાર માટે પ્રથમ કેસ કઢાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેને લઈને દર્દીના સગા તેમજ બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને કેજયુલીટી વોર્ડમાં ફરજ પરના ડોક્ટરોનો વિડીયો ઉતારવા લાગ્યા હતા.

કેજ્યુલિટી વોર્ડમાં હાજર અન્ય સાથી ડોક્ટર દ્વારા આરોપીઓને વીડિયો ઉતારવાનું ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તેમણે ડોક્ટરનું ગળું દબાવી તેની સાથે ઝપાઝપી કરી હતી. આ સમગ્ર બનાવ બાદ ડોક્ટરે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મણીનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમને જામીનમુક્ત કરવામાં આવ્યા છે.