January 3, 2025

મલેશિયાના પ્રધાનમંત્રી સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય મુલાકાત, અનેક મુદ્દાઓ પર કરી વાત

PM Modi: ભારતની મુલાકાતે આવેલા મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને દેશના નેતાઓ ઉષ્માભેર ગળે મળતા જોવા મળ્યા હતા. અગાઉ, મલેશિયાના પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટની પણ મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. મલેશિયાના પ્રધાનમંત્રીએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લીધો હતો.

સોમવારે ત્રણ દિવસના પ્રવાસે આવ્યા મલેશિયન પીએમ
મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ સોમવારે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર મલેશિયાના પીએમ ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. ઈબ્રાહિમ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. વડાપ્રધાન તરીકે અનવર ઈબ્રાહિમની આ પ્રથમ ભારત મુલાકાત છે. અનવર ઈબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે. મલેશિયાના વડાપ્રધાને દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ કરશે મુલાકાત
મલેશિયાના પીએમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રીની બેઠકમાં વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. આ પહેલા ભારતે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સમક્ષ પણ ઝાકિર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમાં કોઈ ખાસ પ્રગતિ થઈ ન હતી. ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ઝાકિર નાઈકને લઈને બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. હવે બંને દેશો સંબંધોને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.