September 20, 2024

બનાસકાંઠામાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે બાળકોનાં મોત

બનાસકાંઠાઃ અમીરગઢના માનપુરીયા ગામના તળાવમાં બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, બંને બાળકો દશામાની મૂર્તિ વિસર્જિત કરવા તળાવમાં ગયા હતા. ત્યારે ડૂબી જતા બંનેના કમકમાટીભર્યા મોત થયા છે.

ખારા ગામના લોકો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે માનપુરીયા ગામના તળાવમાં ગયા હતા. ત્યારે બે બાળકો માતાજીના મૂર્તિ વિસર્જન વખતે જ ડૂબી ગયા હતા અને બંનેના મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા 3 વ્યક્તિ સાબરમતીમાં ડૂબ્યાં

ગાંધીનગરમાં પણ બની દુર્ઘટના
ગાંધીનગરમાં સેક્ટર 30મા દશામાની મૂર્તિ પધરાવવા જતા ત્રણ લોકો ડૂબી ગયા છે. સાબરમતી નદીમાં 5 લોકો મૂર્તિ પધરાવવા માટે ગયા હતા. ત્યારે પાંચેય ડૂબવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ફાયરવિભાગે 5માંથી 2 વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ નદીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ ફાયરવિભાગે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.