November 24, 2024

સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, નર્મદાના કાંઠા વિસ્તારમાં એલર્ટ

નર્મદાઃ દક્ષિણ ગુજરાતના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નર્મદાના સરદાર સરોવર ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી આવતા પાણીની આવક સ્થિર છે. ત્યારે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવમાં આવ્યા છે.

નર્મદા ડેમમાંથી કુલ 1,51 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની જળસપાટી 135.61 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 2.73 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે હાલ ડેમ 90 ટકા ભરાઈ ગયો છે.

રિવરબેડ પાવરહાઉસમાંથી 43,720 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમના કુલ 9 દરવાજા સંપૂર્ણ ખોલી નાંખવામાં આવ્યા છે અને 90,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડાતા જ નર્મદાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને લોકોને પટ વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી છે.