November 25, 2024

સુરતમાં યોજાઇ ભવ્ય તિરંગા યાત્રા, 1 લાખથી વધુ લોકો જોડાયા

અમિત રૂપાપરા, સુરત: દેશની સુરક્ષા માટે દેશના સીમાડા પર ફરજ બજાવતા સમય શહીદ થયેલા જવાનોની માતાઓના સન્માનમાં સુરત શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે કિલોમીટરની આ તિરંગા યાત્રામાં એક લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા આ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી.

15મી ઓગસ્ટ દરમિયાન જે પ્રકારે દેશની સૌથી મોટી પરેડી યોજાય છે તે જ પ્રકારે સુરતમાં પણ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પરેડ યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ પ્લાટુનો દ્વારા પરેડમાં ભાગ લેવામાં આવ્યો હતો. ઉપરાંત અલગ અલગ ટેબ્લો પણ પરેડમાં દર્શાવવામાં આવ્યા હતા.

તો બીજી તરફ સુરતને મીની ભારત કહેવામાં આવે છે કારણ કે ભારતના દરેક રાજ્યના લોકો સુરતમાં વસવાટ કરે છે અને એટલા માટે જ આ મીની ભારતમાં દેશના અલગ અલગ રાજ્યના લોકોએ પોતાના પારંપરિક પહેરવેશ પહેરીને આ પરેડમાં ભાગ લીધો હતો. અલગ અલગ શાળાના બેન્ડ ઉપરાંત પોલીસ બેન્ડ અને અલગ અલગ સમાજના બેન્ડ પણ આ પરેડમાં જોવા મળ્યા હતા.

સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સુરત જિલ્લા કલેકટર ડોકટર સૌરભ પારઘી, સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત તમામ હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ પરેડમાં જોડાયા હતા. સાથે જ સુરતના સાંસદ મુકેશ દલાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સુરતની અલગ અલગ વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

સુરતના વી.આર મોલથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાયેલી આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હાથમાં તિરંગો લઇ નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકો બે કિલોમીટર પદયાત્રા કરીને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. 15 ઓગસ્ટ પહેલા જ દેશભક્તિના રંગમાં સુરત રંગાયું હતું ભારત માતાકી જય અને વંદે માતરમના નારા આ પદ યાત્રામાં લોકોએ લગાવ્યા હતા.