January 2, 2025

હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરતમાં હર્ષ સંઘવી દ્વારા કરાયું તિરંગા વિતરણ

સુરત: આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા ઠેરઠેર તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સુરત ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના ભાગળ વિસ્તારમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, સુરત શહેર પોલીસ અને પાલિકા કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા..

ઉલ્લેખનીય છે કે, આગામી 11મી ઓગસ્ટના રોજ સુરત ખાતે ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રા યોજવાની છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ભવ્ય તિરંગા પદયાત્રાના માધ્યમથી તિરંગા યાત્રામાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.