December 18, 2024

ગરીબ પરિવારો સાથે આવાસ યોજનાના નામે ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં AMCની આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગરીબ પરિવારને સરકારી આવાસ યોજનામાં મકાન આપવાના નામે બોગસ એલોપમેન્ટ લેટર આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.

અમદાવાદમાં પોતાના ઘરનું સપનું જોઈ રહેલા લોકોને કડવો અનુભવ થયો છે. AMCના સરકારી આવાસ યોજનામાં મકાન આપવાના નામે ઠગ ટોળકીએ લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીઓ પલ્લવીબેન સોલંકી, રોહિત ત્રિવેદી અને મુસ્તાકબેગ મિર્ઝાએ મકાન આપવાની લાલચ આપીને છેતરપીંડી આચરી છે. દાણાપીઠમા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની કચેરી ખાતે કર્મચારીઓ સાથે વગ ધરાવતી હોવાનુ કહીને પલ્લવી સોલંકીની નામની મહિલાઓ સરકારી આવાસ આપવાના નામે છેતરપિંડી કરી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમા 1બીએચકે અથવા 2 બીએચકે મકાનના ખોટા એલોટમેન્ટ લેટર આપીને 6. 20 લાખની છેતરપિડી આચરતા કારંજ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીના કારણે અનેક લોકોએ પોતાની જીદંગીની કમાણી ગુમાવી છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં કરેલો ‘પ્રેમ’ આખરે મણિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો

પોલીસ તપાસમા સામે આવ્યુ કે આવાસના નામે ઠગાઈ કેસની માસ્ટર માઈન્ડ પલ્લવીબેન સોલંકી છે. જે બહેરામપુરા વિસ્તારમા રહે છે. આ મહિલા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની કચેરી ખાતે અવાર નવાર આવતી હોય છે. અને કેન્ટીનમા બેસી રહે છે. ગરીબ પરિવારના લોકો કોર્પોરેશનમા સરકારી આવાસના ફોર્મની ઈન્કાવરી કરવા આવતા હોય ત્યારે આ મહિલા અને તેના સાગરીતો રોહિત ત્રિવેદી અને મુસ્તાકબેગ સરકારી આવાસમા મકાન અપાવવાની લાલચ આપતા હતા. આ આવાસ યોજનાના ડ્રોમાં તેમનું નામ ખુલશે તેવું કહી અલગ અલગ લોકો પાસેથી બે લાખથી 20 લાખ સુધીના રૂપિયા પડાવતા હતા. જેમા 1BHKના 8 લાખ અને 2 BHK માટે 18 લાખ નકકી કર્યા હતા. આ પ્રકારે લોકો પાસેથી બુકીંગના નામે 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ ખોટા એલોટમેન્ટ લેટર પણ આપ્યા હતા. આ પ્રકારે ઠગ ટોળકીએ 20થી વધુ લોકોને ટાર્ગેટ કરીને ચૂનો લગાવ્યો છે.

કાંરજ પોલીસે મકાનના નામે ઠગાઈ કેસમા મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે. આ ઉપરાંત નકલી એલોટમેન્ટ લેટર કયા બનાવ્યા છે. આ કૌભાંડના કોઈ AMCના કર્મચારીની સંડોવણી છે કે નહિ તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.