January 3, 2025

ખેતીલાયક વરસાદના અભાવે પંચમહાલના ખેડૂતોમાં ચિંતા, પાકને નુકસાન થવાની ભીતિ

દશરથસિંહ પરમાર, પંચમહાલ: આદિવાસી બહુમતી ધરાવતા પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો અને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો. ખેતીલાયક વરસાદ થઈ જતા ખેડૂતો દ્વારા મકાઈ, કપાસ, તુવેર, ડાંગર અને સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને મકાઈનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થવા પામ્યું છે. પરંતુ લાંબા સમયથી પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ન થતા હાલ પણ તળાવ, નદી નાળાઓ સુખા ભટ્ટ થઈ ગયા છે. જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગત વર્ષે ખેડૂતો શિયાળાની ઋતુમાં કમોસમી વરાસદ થતા ખેતીમાં ભારે નુકશાન થવા પામ્યું હતું. ત્યારે. ખેતીને થયેલ ભારે નુકશાન સહન કર્યા બાદ આ વર્ષે ચોમાસાની ઋતુની સારી વરસાદ થશે અને સારી એવી ખેતી થવાની ખેડૂતોની આશાઓ હતી પરંતુ પંચમહાલ જિલ્લામાં હાલ સુધી ધોધમાર અને સારો એવો વરસાદ નહિ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી બાદ વિરામ પાળતા ખેડૂતો કાગડોળે વરસાદ ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સારો એવો વરસાદ થશે તો હજુ પણ વાવેતરમાં વધારો થવાની શક્યતા રહેલી છે ત્યારે હવે પછીનો વરસાદ સમયસર આવે તેવી પણ ખેડૂતો આશા સેવી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના શરૂઆતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા જેથી ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આંનદ વ્યાપ્યો હતો. ખેડૂતોએ પ્રથમ વરસાદના વિરામ બાદ પોતાના ખેતરોમાં મકાઈ, સોયાબીન સહિતનું વાવેતર કરી દીધું છે. પરંતુ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગત ચોમાસાની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ઓછું વરસાદી પ્રમાણ નોંધાયું છે. જેથી, ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ મોંઘડાટ ખાતર બિયારણ લાવી મકાઈ, કપાસ, તુવેર, ડાંગર અને શાકભાજી સહિતની વાવણી કરી દીધા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે.

બીજી તરફ આ વર્ષે ઓછા વરસાદને લઈ હાલ શાકભાજીમાં ઇયળોનો ઉપદ્રવ થતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. એવી જ રીતે ઓછા વરસાદ અને લઈ નદીનાળા, તળાવ અને ચેકડેમ હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભૂગર્ભ જળ સ્તર ઉંચા નહીં આવતા કુવાને બોરવેલ પણ હાલ ખાલીખમ હાલતમાં હોવાથી ખેડૂતોને આગામી શિયાળો અને ઉનાળુ ઋતુમાં પણ ખેતી માટે અગવડતા ભોગવી પડે એવી હાલ સર્જિત સ્થિતિ થકી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ તો ખેડૂતો કાગડોળે મેઘરાજા મન મૂકીને વર્ષે એવી કુદરત પાસે આશા રાખી મિટ માંડીને બેઠા છે. જોકે ગત વર્ષે થયેલા પાછોતરા વરસાદને લઈ પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આ વર્ષે હાલની સર્જિત સ્થિતિએ ખેડૂતોની ચિંતા ને વધુ વિકટ અને ઘેરી બનાવી દીધી છે.

જોકે જિલ્લા ખેતીવાડી વિભાગ ના અધિકારીના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં જિલ્લામાં કુલ 1.72 લાખ હેકટર જમીન વાવેતર લાયક છે જેમાંથી હાલ સુધી મકાઈ, ડાંગર, તુવેર, કપાસ અને સોયાબીન સહિત 1,63,000 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે જ્યારે ગત વર્ષે 1.67 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતીનું વાવેતર કર્યું હતું. જોકે મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી બાદ વિરામ પાળતા જિલ્લામાં હજીપણ ખેડૂતો ડાંગરની રોપણી માટે વરસાદ ની રાહ જોઈ રહ્યા છે તો કેટલાક ખેડૂતોએ આગામી દિવસોમાં વરસાદ વરસવાની આશાઓ સાથે રોપણી શરૂ કરી દીધી છે. જિલ્લામાં હજી પણ 4 હજાર હેકટર ઉપરાંત વાવેતર બાકી છે જે આગામી દિવસોમાં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ત્યારે હાલ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાના કારણે ડાંગર ની ખેતીલાયક વરસાદ નહિ વરસતા હાલ સુધી બોર, કુવાનો જલસ્તર નીચે જતા અને નદી નાળા ઓમાં પાણી નહિ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતા જોવા મળી રહ્યા છે, અને લાંબા સમય સુધી વરસાદ ખેંચશે તો ખેડૂતો દ્વારા કરેલ વાવેતર અને પાક નિશ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.