January 15, 2025

સામંથા સાથે લીધા છૂટાછેડા… હવે 3 વર્ષ બાદ નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના મોટા સુપરસ્ટાર નાગાર્જુનના પરિવાર માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો છે. તેમના પુત્ર નાગા ચૈતન્યની સગાઈ થઈ ગઈ છે. તેણે વર્ષ 2021માં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા લીધા હતા. હવે તેણે અભિનેત્રી શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી છે. જે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે. નાગાર્જુને પોતે આ સમયગાળાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને નવા કપલને અભિનંદન પણ આપ્યા છે.

સગાઈ દરમિયાનના ફોટા શેર કરતા નાગાર્જુને લખ્યું – સવારે 9:42 વાગ્યે મારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલી સાથે થઈ ગઈ. આ જણાવતાં અમને ખૂબ જ આનંદ થાય છે. શોભિતાને અમારા પરિવારમાં આવકારતાં અમે બધા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. દંપતીને ખૂબ ખૂબ અભિનંદન. તેને દુનિયાભરમાંથી પ્રેમ અને ખુશીઓ મળે. ભગવાન તેમનું ભલું કરે. ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમની શરૂઆત.

તસવીરોની વાત કરીએ તો આ દરમિયાન કપલ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે. નાગાર્જુને નવા કપલ સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યો છે. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. દરેક જણ આ નવા કપલને તેમની સગાઈ માટે અભિનંદન આપી રહ્યા છે. નાગા અને સામંથાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને 4 વર્ષ બાદ 2021માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બધા ચોંકી ગયા હતા અને નાગાર્જુને પણ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે તે પોતાના પુત્રની સગાઈના પ્રસંગે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

આ પણ વાંચો: શેખ હસીના પાસે કુલ કેટલી સંપતિ, વિદેશમાં કેવી રીતે કરશે જીવનનિર્વાહ

નાગા ચૈતન્ય અને શોભિતા 2021 માં સામંથાથી અલગ થયા પછી જોવા મળ્યા હતા. શોભિતા તેને મળવા માટે હૈદરાબાદમાં નાગાના ઘરે પહોંચી હતી. આ પછી અટકળો શરૂ થઈ કે બંને વચ્ચે કંઈક છે. આ પછી જ્યારે વર્ષ 2023 માં નાગાના ફોટાની પાછળ શોભિતા જોવા મળી, ત્યારે આ અટકળો વધુ તેજ બની ગઈ. બંને ઘણા પ્રસંગોએ સાથે વેકેશન માણતા પણ જોવા મળ્યા હતા. હવે બંનેએ પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી છે.