January 15, 2025

સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં, જન ઔષધી કેન્દ્ર હોવા છતાં દર્દીઓ મેડિકલમાંથી દવા લેવા મજબૂર

અમિત રુપાપરા, સુરતઃ શહેરની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવે છે. ત્યારે ફરી એક વખત ખાનગી મેડિકલ સ્ટોર અને જન ઔષધી કેન્દ્રને લઈને આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. SMCના હોસ્પિટલ સમિતિના સભ્ય દ્વારા સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને એક ફરિયાદ કરવામાં આવી હતી કે, સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યારે સારવાર લેવા જતા હોય ત્યારે એક જ દુકાનની અંદર બે અલગ અલગ ઇજારદાર દ્વારા ખાનગી મેડિકલ અને જન ઔષધી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. કેટલીક વખત જન ઔષધી કેન્દ્રના સંચાલક દ્વારા ગરીબ લોકોને દવા આપવામાં આવતી નથી અને ખાનગી હોસ્પિટલમાંથી આ દવા ખરીદવાનું કહેવામાં આવે છે અને તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોસ્પિટલમાં સારવાર માટે જાય છે તેમને મેડિકલમાંથી મોંઘી દવા લેવી પડે છે.

હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાની ફરિયાદ બાદ ન્યુઝ કેપિટલ દ્વારા હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ન્યૂઝ કેપિટલના કેમેરામાં પણ એ દ્રશ્યો કેદ થયા છે કે, જેમાં ખાનગી મેડિકલ સંચાલક કઈ રીતે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. એક તરફ જન ઔષધી કેન્દ્ર અને બીજી તરફ ખાનગી મેડિકલ સ્ટોર અને બંને એક જ દુકાનમાં ચલાવવામાં આવી રહ્યા છે. ખાનગી મેડિકલ સંચાલક દ્વારા મેડિકલની બહાર ટેબલ રાખી દર્દીઓને ભરમાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જો ગરીબ અને મધ્યમ વર્ગનો દર્દી જ્યારે દવા લેવા આવે તરત જ કાઉન્ટર પર બેસેલા માણસોને દવા લખેલું પ્રિસ્ક્રિપ્શન મેડીકલમાં આપે છે અને ત્યારબાદ ખાનગી મેડિકલમાંથી આ દવા દર્દીના સગા સંબંધીઓ અથવા તો દર્દીને આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી કરનારા માસ્ટર માઇન્ડની ધરપકડ, ઉઠામણું કરાવવામાં હતો એક્સપર્ટ!

તો બીજી તરફ જન ઔષધી કેન્દ્રના સંચાલક દ્વારા કેટલાક દર્દીઓને પોતાની પાસે દવાનો સ્ટોક ન હોવાનું કહીને પણ ખાનગી મેડિકલમાંથી દવા લેવાનું જણાવવામાં આવી રહ્યું છે અને દર્દીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, તેમને સરકાર દ્વારા જન ઔષધી કેન્દ્રમાં આપવામાં આવતી જેનરીક મેડિસન કે જે સસ્તા ભાવે મળે છે તે ખરીદવી છે. પરંતુ આ મેડિકલ પર આ દવા દર્દીઓને આપવામાં આવતી નથી અને એક જ જવાબ આપવામાં આવે છે કે, દવા નથી ખાનગી મેડિકલમાંથી આ દવા લઈ લો.

તો બીજી તરફ આ સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે, આ ઘટના ખરેખર ગંભીર ઘટના છે અને આ બાબત હોસ્પિટલ તંત્રના ધ્યાન પર આવી છે. આ બાબતે હોસ્પિટલ સમિતિના સભ્ય દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલે જન ઔષધી કેન્દ્ર ચલાવનારી ઇજારદારને એક નોટિસ આપીને સમગ્ર મામલે ખુલાસો પણ માગવામાં આવ્યો છે. જેમાં ઔષધી કેન્દ્રના ઇજારદાર પાસે કેટલી દવાઓ છે અને જે ફરિયાદ થઈ છે. તેમાં કેટલી હકીકત છે તે બાબતે તમામ જવાબો માંગવામાં આવ્યા છે. જો આ બાબતે ઇજારદારની બેદરકારી સામે આવશે તો તેની સામે કાયદેસરના પગલાં ભરાશે અને ગંભીર ચૂક હશે તો ઇજારદારનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવશે.