બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર થઈ રહ્યા છે હુમલા, રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી
Bangladesh Crisis: વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે સંસદમાં માહિતી આપી છે. રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે 06 ઓગસ્ટના રોજ કહ્યું કે અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. બાંગ્લાદેશમાં જાન્યુઆરી 2024માં યોજાયેલી ચૂંટણી બાદથી તણાવનું વાતાવરણ છે. જેના કારણે જૂનમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન શરૂ થયું હતું.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે સરકારી ઈમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આખા જુલાઇ મહિના દરમિયાન હિંસા ફેલાયેલી રહી. અમે શાંતિ દ્વારા ઉકેલ લાવવા અપીલ પણ કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારા માટે ચિંતાનો વિષય છે કે ઘણી જગ્યાએ લઘુમતી હિન્દુઓની દુકાનો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. હજુ સુધી સંપૂર્ણ માહિતી બહાર આવી નથી.
4 ઓગસ્ટે સ્થિતિ સૌથી વધારે વણસી
એસ. જયશંકરે વધુમાં કહ્યું, “બાંગ્લાદેશ આપણું ખૂબ નજીક છે. જાન્યુઆરીથી ત્યાં તણાવ છે. જૂન-જુલાઈમાં હિંસા થઈ હતી. અમે ત્યાંના રાજકીય પક્ષોના સંપર્કમાં હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. અને પરિસ્થિતિ એવી રીતે બદલાઈ કે પીએમ હસીનાએ રાજીનામું આપવું પડ્યું.
4 ઓગસ્ટે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. લઘુમતીઓ પરના હુમલાઓ ત્યાં સૌથી વધુ ચિંતાનો વિષય છે. શેખ હસીના હાલ ભારતમાં છે. અમે ભારતીય સમુદાયના સંપર્કમાં છીએ. ઘણા વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. અમારું દૂતાવાસ સક્રિય છે. અમને આશા છે કે ત્યાંની સરકાર અમારા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરશે. લઘુમતીઓ પર થતા હુમલાઓ ચિંતાનો વિષય છે. અમે બાંગ્લાદેશના સંપર્કમાં છીએ.”