PM હાઉસમાં મળી CCSની બેઠક, બાંગ્લાદેશ સરહદ પાસે મેઘાલયમાં નાઈટ કરફ્યુ
દિલ્હી: પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતના વિરોધ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી પ્રદર્શન હિંસક રૂપ ધારણ કર્યા બાદ આજે સ્થિતિ સદંતર ખરાબ થઈ ગઈ છે. વડાપ્રધાન પદેથી શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ દેશ છોડી દીધો હતો અને પ્રદાહનમંત્રી આવાસ પર તોફાની તત્વોએ કબજો કરી લીધો છે. અને હવે દેશનું સુકાન સેનાએ સંભાળી લીધું છે.
બાંગ્લાદેશની સ્થિતિને લઈને હવે ભારત પણ એલર્ટ થઈ ગયું છે. ત્યારે, આજે બાંગ્લાદેશની સ્થિતિને લઈને વડાપ્રધાન આવાસ ખાતે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક મળી હતી. તો બીજી બાજુ મેઘાલયમાં બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા વિસ્તારોમાં નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નવી દિલ્હી ખાતે વડાપ્રધાન આવાસ ખાતે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક મળી છે. આ બેઠકમાં બાંગ્લાદેશ સહિત આંતરિક અને બાહ્ય પડકારોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી એસ જયશંકર અને ગૃહ સચિવ સહિત કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.