December 28, 2024

શ્રાવણના પહેલા દિવસે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, શિવભક્તોમાં અનેરો ઉત્સાહ

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઊમટ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા સતત લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યાં છે.

આજથી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પ્રભાસ ક્ષેત્ર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને કહેવાય છે કે, શ્રાવણ માસ શિવને અતિપ્રિય હોય છે અને તેમાં પણ શ્રાવણનો સોમવાર શિવભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોના દુઃખ, દર્દ, પીડા દૂર થાય છે તેવી માન્યતા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે 4 કલાક ખૂલતા જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.

આ સાથે જ આ શ્રાવણ માસને ભાવિકો અનોખો અને મહત્વનો ગણાવી રહ્યા છે. કારણે કે ભાવિકોનાં મતે આ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થાય છે અને અંતિમ દિવસ સોમવતી અમાસ છે. જ્યારે રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી પણ સોમવારે આવતી હોવાથી શુભ સંયોગ માની રહ્યા છે. ત્યારે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથને વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી છે. જેમાં ભારતવર્ષનું કલ્યાણ થાય સમગ્ર માનવજાત સુખી થાય અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ પ્રસરે તેવી ભાવિકોએ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં ભાવિકોને લઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

આજે શ્રાવણ માસનો પ્રારંભ અને સાથે સોમવાર હોવાના કારણે સોમનાથ મહાદેવ મંદિરે અનેક ધ્વજા, પૂજા અને યજ્ઞ કરાવવામાં આવશે. તો મંદિર પરિસરમાં સવારે 9 કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેથી ભાવિકો મહાદેવના દર્શન કરી શકે.

શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે. સોમનાથ મંદિરે પ્રાતઃ, મધ્યાહ્ન, સાયં એમ દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવે છે. આ આરતી 25 મિનિટ સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ પ્રકારનો અલગ અલગ શૃંગાર પણ કરવામાં આવે છે.