ગોંડલનું 350 વર્ષ જૂનું સુરેશ્વર મહાદેવ મંદિર, રાજવી સર ભગવતસિંહજીએ બંધાવ્યું હતુ
ગોંડલઃ ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યાં છે. ત્યારે ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિપ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવાલય સુરેશ્વર મહાદેવ બિરાજમાન છે. 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કરી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીના દર્શનનો લાભ લીધો હતો. અહીં ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો મહાદેવજીના દર્શન તેમજ આરતીનો લાભ લે છે.
રાતથી દિવસ દરમિયાન 6 આરતી થાય છે
સુરેશ્વર મંદિરમાં રાતથી દિવસ દરમિયાન વહેલી સવારના 3.00 કલાકે, 5.00 કલાકે, 7.00 કલાકે, 8.00 કલાકે, બપોરે 12.00 કલાકે અને સાંજે 7.00 કલાકે આરતી દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. વહેલી સવારથી લઈ મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગૂંજતો રહે છે. પૂજારી નિખિલભાઈ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગોંડલમાં ભગવતસિંહજી બાપુએ શહેરમાં નવનાથ મહાદેવની સ્થાપના કરી છે. તેમાંના એક આ સુરેશ્વર મહાદેવનું મંદિર છે. હું છેલ્લા 15 વર્ષથી અને અમે અહીં 3 પેઢીથી સુરેશ્વર મંદિરે પૂજા કરીએ છીએ. સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સુરેશ્વર મહાદેવની પંચવકત્ર પૂજા થાય છે. બપોરે 12 વાગ્યે લઘુરુદ્ર બાદ મહાઆરતી થાય છે.
શ્રાવણ માસમાં મંદિર પરિસરમાં જય શામ્બના નાદથી ગુંજી ઉઠે છે
અહીં ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ નિયમિત સુરેશ્વર મહાદેવના દર્શન માટે આવતા નેશનલ હાઈવેથી ચાર કિલોમીટર દૂર આવેલા વેરી તળાવ પાસે આ શિવાલય આવ્યું છે. અહીં ઐતિહાસિક ધાર્મિક અને પ્રકૃતિક ત્રિવેણી સંગમ સર્જાય છે. મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ ફરતે અનેક શિવાલયોનું નિર્માણ કરેલું હતું. પરંતુ સુરેશ્વર મહાદેવ અતિપ્રાચીન મંદિર ગણાય છે. શ્રાવણ માસમાં નિયમિત વડપૂજા, લઘુરૂદ્રનું આયોજન થાય છે.
ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે
ગોંડલથી આવેલા દર્શનાર્થી કિરીટભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે, હું છેલ્લા 35 વર્ષથી દરરોજ સુરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવું છું અને પૂજા તેમજ આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવું છું. તેમજ સર્વે ભક્તોની મનોકામના સુરેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે સુરેશ્વર મહાદેવજીને અલગ અલગ ફૂલોનો શણગાર કરવામાં આવે છે.